
મિડલ ઈસ્ટમાં તણાવ અબુ ધાબીનું BAPS મંદિર ૯ માર્ચ સુધી બંધ રહેશે આ દરમિયાન સ્વામી તમામની શાંતિ, સુરક્ષા અને કલ્યાણ માટે મંદિરમાં પ્રાર્થના કરતાં રહેશે.
મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ તંગ બનતા UAE માં અબુ ધાબી સ્થિત BAPS હિન્દૂ મંદિર આજ ૨ માર્ચ થી ૯ માર્ચ સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ તરફથી સત્તાવાર રીતે કરેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, હાલની સ્થિતિને જાેતાં રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી સાવચેતીના પગલાં રૂપે અબુ ધાબી સ્થિત BAPS હિન્દૂ મંદિર ૯ માર્ચ સુધી બંધ રહેશે. આ દરમિયાન સ્વામી તમામની શાંતિ, સુરક્ષા અને કલ્યાણ માટે મંદિરમાં પ્રાર્થના કરતાં રહેશે. આ સાથે મંદિર ટ્રસ્ટે અફવાઓથી દૂર રહેવા, શાંતિ જાળવવા અને સરકારી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરી છે.
સંયુક્ત આરબ અમીરાત (UAE) તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, ઈરાની હુમલાઓમાં ૫૮ લોકો સામાન્ય રીતે ઘાયલ થયા છે જેમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે. અબુ ધાબી સ્થિત ભારતીય દૂતાવાસે ૧ માર્ચ ૨૦૨૬ના રોજ કહ્યું હતું કે એક ભારતીય નાગરિક ઘાયલ થવાની જાણકારી મળતા તે હોસ્પિટલ તંત્ર સાથે સંપર્કમાં છે.UAE ના સંરક્ષણ મંત્રાલય તરફથી દાવો કરવામાં આવ્યો છે. યુદ્ધ શરૂ થતાં UAE ની સેનાએ ૧૬૫ બેલિસ્ટિક મિસાઇલો, બે ક્રુઝ મિસાઇલો અને ૫૪૧ ડ્રોનથી હુમલાઓનો સામનો કર્યો છે. આ પહેલા રવિવારે રાત્રે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે પણ વાત કરી હતી. ઈરાને UAE પર જે હુમલા કર્યા તેની ભારતે આકરા શબ્દોમાં નિંદા કરી છે. ઈરાન-અમેરિકા યુદ્ધ પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દુનિયામાં તણાવ ચાલી રહ્યો છે. ભારતીયોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. ભારત વિશ્વમાં હંમેશા શાંતિ અને સ્થિરતાના પક્ષમાં છે. આતંકવાદ તમામ માટે પડકાર છે.
એકલા UAE માં જ લગભગ ૩૯ લાખ ભારતીયો વસે છે. જાે યુદ્ધ વધે તો આ તમામ નાગરિકોની સુરક્ષા ભારત માટે સૌથી મોટો પડકાર બની શકે છે. ભારત અને UAE વચ્ચે વાર્ષિક ૧૦૦ અબજ ડૉલરનો વેપાર થાય છે. યુદ્ધની અસર સીધી ભારતીય અર્થતંત્ર પર પડી શકે છે.




