
માનવ વેંચાણ અને બાળમજૂરી વચ્ચેના ખતરનાક સંબંધને ઉજાગર કરતી એક ચોંકાવનારી ઘટનામાં, ચાર રાજ્યોમાંથી લાવવામાં આવેલા કુલ 91 સગીર બાળકોને સુરતની ત્રણ ટેક્સટાઇલ યુનિટોમાંથી સંયુક્ત કાર્યવાહી દરમિયાન બચાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ગાયત્રી સેવા સંસ્થાન (જીએસએસ) દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે હાથ ધરવામાં આવી હતી. આ સંયુક્ત ઓપરેશન નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર), એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીઉ), રાજસ્થાનના 22 પોલીસ અધિકારીઓ, સુરતના પુણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ એસોસિએશન ફોર વોલન્ટરી એક્શન (એવીએ) અને જીએસએસના સભ્યો દ્વારા મળીને ચલાવવામાં આવ્યું હતું. એસોસિએશન ફોર વોલન્ટરી એક્શન અને ગાયત્રી સેવા સંસ્થાન બંને ‘જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન’ના ભાગીદાર છે, જે દેશનું સૌથી મોટું બાળ સુરક્ષા નેટવર્ક છે અને જેમાં 250થી વધુ ભાગીદાર સંસ્થાઓ જોડાયેલી છે।
7 થી 14 વર્ષની વયના આ બાળકોને મુખ્યત્વે રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાંથી માનવ વેંચાણ દ્વારા લાવવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ બાળકો ઉત્તર પ્રદેશના હતા અને એક-એક બાળક બિહાર તથા ઝારખંડમાંથી લાવવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન માનવ વેંચાણ સાથે જોડાયેલા લોકો અને માલિકો સ્થળ પરથી ફરાર થવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેમની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બચાવાયેલા બાળકોને હાલમાં સુરતની ચાઇલ્ડ વેલફેર કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે।
જીએસએસ દ્વારા એક મહિના સુધી ચાલેલી વિસ્તૃત તપાસ અને મેપિંગ પ્રક્રિયા બાદ આ વિસ્તારોમાં કાર્યરત માનવ વેંચાણના ગેંગ વિશે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર)ને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। પ્રથમ ટેક્સટાઇલ યુનિટ પર દરોડા દરમિયાન બચાવાયેલા બાળકો જ રેસ્ક્યુ ટીમોને અન્ય સ્થળોએ લઈને ગયા હતા, જ્યાં વધુ બાળકોને બંધક બનાવી કામ કરાવવામાં આવી રહ્યું હતું।
“બાળકો અમને એક એવી ઇમારત સુધી લઈને ગયા જે બહારથી બંધ હતી. પરંતુ બાળકો સતત કહી રહ્યા હતા કે અંદર બીજા બાળકો પણ છે. જ્યારે અમે અંદર પ્રવેશ કર્યો, ત્યારે અમને માત્ર સાત વર્ષ જેટલા નાનાં બાળકો ત્યાં કામ કરતા મળ્યા. તેઓ ખૂબ જ ડરેલા, ગભરાયેલા અને દરરોજ 12 કલાકથી વધુ કામ કરવાના કારણે અત્યંત થાકેલા દેખાતા હતા,” એવું ગાયત્રી સેવા સંસ્થાનના ડિરેક્ટર ડૉ. શૈલેન્દ્ર પંડ્યાએ જણાવ્યું।
તેમણે આગળ બાળકો જે હાલતમાં મળ્યા તેની પણ વાત કરી।
“જ્યારે અમે અંદર પ્રવેશ કર્યો, ત્યારે આશરે આઠ વર્ષથી વધુ ન હોય એવું એક નાનું બાળક શર્ટ વગર ઉભું હતું. તે બીજાં બાળકો પાછળ છુપાઈ ગયું હતું અને પૂછતું હતું કે કોઈ તેને પહેરવા માટે શર્ટ આપી શકે છે કે નહીં. ત્યાં બાળકોની સ્થિતિ અત્યંત દયનીય હતી,” તેમણે જણાવ્યું। તેમણે વધુમાં ઉમેર્યું કે આટલા મોટા સ્તરે બચાવ કામગીરી માત્ર એટલા માટે શક્ય બની શકી કારણ કે બંને રાજ્યોના તમામ પોલીસ અધિકારીઓ અને જોડાયેલા તમામ પક્ષોએ ઝડપથી અને તાત્કાલિક કાર્યવાહી કરી।
પ્રાથમિક તપાસ મુજબ, શંકા ન જાય તે માટે માલિકોએ ઇરાદાપૂર્વક ખાસ રીતો અપનાવી હતી. નાનાં બાળકોને વહેલી સવારે યુનિટોમાં લાવવામાં આવતા અને પછી ઇમારતને બહારથી તાળું મારી દેવામાં આવતું. કામનો સમય પૂરો થયા પછી સાંજે 7 વાગ્યા બાદ જ ઇમારત ખોલવામાં આવતી હતી।
બચાવાયેલા બાળકોને નજીકની વસાહતોમાં અત્યંત ભીડભાડવાળી અને ખરાબ પરિસ્થિતિમાં રાખવામાં આવતા હતા, જ્યાં એક નાનકડા રૂમમાં અંદાજે 12 થી 15 બાળકોને સાથે રહેવું પડતું હતું।
અધિકારીઓ સાથેની વાતચીત દરમિયાન ઘણા બાળકોે જણાવ્યું હતું કે તેમના માતા-પિતાને ખબર હતી કે તેમને મજૂરી કામ માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ નાનાં બાળકોે જણાવ્યું કે તેમને બાળમજૂરી વિશે કોઈ જાણકારી નહોતી અને તેમને ફરવા લઈ જવાના બહાને સુરત લાવવામાં આવ્યા હતા।
બચાવાયેલા બાળકોમાં રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોના 8 અને 10 વર્ષની ઉંમરના બે ભાઈઓ પણ સામેલ હતા।
પ્રાથમિક તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે કેટલાક બાળકો છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આ યુનિટોમાં કામ કરી રહ્યા હતા, જ્યારે કેટલાક બાળકો થોડા સમય પહેલાં જ પોતાના ગામમાંથી અહીં લાવવામાં આવ્યા હતા।
બાળકોના માનવ વેંચાણ જેવા અત્યંત સંગઠિત અને ખતરનાક ગુનાની ચર્ચા કરતા ‘જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન’ના નેશનલ કન્વીનર રવિ કાંતે જણાવ્યું હતું કે, “આ બચાવ કામગીરી એ સ્પષ્ટ કરે છે કે માનવ વેંચાણ અને બાળમજૂરી આજે પણ રાજ્યો વચ્ચે સંગઠિત અને ઊંડે સુધી ફેલાયેલા ગુનાહિત નેટવર્ક તરીકે કાર્ય કરી રહ્યા છે. ખાસ કરીને આદિવાસી અને આર્થિક રીતે નબળા વર્ગોના બાળકોને ખોટા વચનો આપીને ફસાવવામાં આવે છે અને પછી તેમને શોષણભરી મજૂરીની પરિસ્થિતિમાં ધકેલી દેવામાં આવે છે, જ્યાં તેઓને અલગ રાખવામાં આવે છે, બંધક જેવી સ્થિતિમાં જીવવું પડે છે અને તેમનું બાળપણ છીનવી લેવામાં આવે છે. આ ઘટના વધુ મજબૂત આંતરરાજ્ય સમન્વય, સપ્લાય ચેઇન પર સતત નજર અને બાળકોના શોષણમાં સામેલ માનવ વેંચાણકારો, માલિકો અને તમામ મધ્યસ્થીઓ સામે કડક જવાબદારી નક્કી કરવાની તાત્કાલિક જરૂરિયાત દર્શાવે છે।”



