
આદિવાસી સમાજના હક્કો અને અધિકારો માટે સતત અવાજ ઉઠાવનાર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ભાજપ સરકાર દ્વારા ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા સતત તેમના સમર્થનમાં વિવિધ કાર્યક્રમો, રેલીઓ અને જનસભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને આજે છોટા ઉદેપુર ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય રેલી અને વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, વિદ્યાર્થી અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સહિત પ્રદેશ અને જિલ્લાના વિવિધ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં યુવાનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ચૈતર વસાવાના સમર્થનમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને ઉપસ્થિત લોકોએ ચૈતર વસાવાને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજના હક્કો, અધિકારો અને તેમની સાથે જોડાયેલા પ્રશ્નોને લઈને જોરદાર અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આ તકે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ ચૈતર વસાવાના સમર્થનમાં પોતાની વાત રજૂ કરી હતી અને સરકારની કાર્યવાહી સામે સવાલો ઉઠાવી આદિવાસી સમાજના ન્યાય અને અધિકારો માટે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વિરોધ પક્ષમાં રહીને કામ કરવું મુશ્કેલ છે, અહીં તો પોલીસના ડંડા પણ સહન કરવા પડે છે, તેમ છતાં આ બધા લોકો ચૈતર વસાવાના નેતૃત્વમાં અને ગુજરાતની જનતાનું ભલું કરવા માટે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. જો કોઈને માત્ર પૈસા બનાવવા હોય, ગ્રાન્ટો જોઈતી હોય, ટેન્ડરો અને કોન્ટ્રાક્ટ મેળવવા હોય કે બંગલા અને ગાડીઓ જોઈતી હોય તો ભાજપમાં જવાય, પણ જે લોકો ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાય છે, તેમના વિશે સમજી લેવું કે તેઓ ગુજરાતના છેવાડાના સામાન્ય માનવીનું કંઈક સારું કરવા આવ્યા છે. ચૈતર વસાવાના નેતૃત્વ હેઠળ હજારો લોકો AAPમાં જોડાઈ રહ્યા છે, અને જો આમ ને આમ લોકો તેમની પાછળ જોડાતા રહેશે તો પોતાની શું હાલત થશે તે વિચારીને જ ભાજપના નેતાઓ ગભરાઈ ગયા છે. આ જ ડરના કારણે ભાજપ સરકારે ચૈતર વસાવાને જેલમાં પૂરવાનું કામ કર્યું છે. તમે વિચારો કે કેટલાય વર્ષો પછી આપણને એક એવો સાચો નેતા મળ્યો છે જે રોજ સામાન્ય જનતાની વાત કરે છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારના ડેડિયાપાડાના જંગલોમાંથી ઊભી થયેલી આ ક્રાંતિ આજે સમગ્ર ગુજરાતમાં પહોંચવા જઈ રહી છે, કારણ કે આજે સૌરાષ્ટ્રનો ખેડૂત, ઉત્તર ગુજરાતના પશુપાલકો અને સુરતના ઉદ્યોગપતિઓ પણ ભાજપ સરકારથી દુઃખી છે. ભાજપના શાસનમાં મોટાભાગના નિર્દોષ લોકો જેલમાંથી છૂટી ગયા છે અને ચૈતર વસાવા પણ ટૂંક સમયમાં જેલમુક્ત થશે. ચૈતર વસાવાએ મહેનત કરીને આદિવાસી સમાજના મુદ્દાઓ ઉપાડ્યા છે, યાતનાઓ ભોગવીને પ્રતિષ્ઠા મેળવી છે. આજે ગુજરાતમાં ભાજપના નેતાઓ જો કોઈનાથી થરથર કાંપતા હોય, તો તે ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા અને યુવરાજસિંહ જેવા જૂજ લોકોથી જ કાંપે છે. જો ગુજરાતની ગલીએ ગલીએ આવા સો ચૈતર વસાવા પેદા થશે તો ભાજપ સામે લડવાનું તે સૌથી મોટું હથિયાર બનશે. છોટા ઉદેપુરની પવિત્ર ધરતીએ સામાન્ય પાર્ટીને તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ભવ્ય મતો આપીને જે શરૂઆત કરી છે, તેના આધારે આગામી વિધાનસભા ચૂંટણીમાં છોટા ઉદેપુરની તમામ બેઠકો પર AAP ડંકાની ચોટ પર જીતશે. ગાંધીનગરથી લઈને દિલ્હીના જંતર-મંતર સુધી જ્યારે દેશના યુવાનોએ ભ્રષ્ટ શિક્ષણ વ્યવસ્થા સામે અવાજ ઉઠાવ્યો, ત્યારે ભાજપના અહંકારી નેતાઓએ ઝૂકવું પડ્યું અને શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું. આ લોકશાહી અને જનતાના અવાજની તાકાત છે; જ્યારે પણ કોઈ તાનાશાહે દેશને ગુલામ બનાવવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે દેશનો યુવા વર્ગ ડર્યા કે ઝૂક્યા વગર સામે ઊભો રહ્યો છે અને આ યુવાનો જ દેશનું સાચું ભવિષ્ય છે.
આ તકે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, હાલમાં અલગ-અલગ જિલ્લાઓમાં જે સિગ્નેચર અભિયાન ચાલી રહ્યું છે, તેમાં ચૈતર ભાઈના સમર્થનમાં દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. ચૈતર વસાવા વિધાનસભામાં સરકાર, પોલીસ પ્રશાસન, તંત્ર અને ફોરેસ્ટ વિભાગ સામે જંગલ, રોડ-રસ્તાઓ તેમજ આરોગ્ય જેવા પ્રજાકીય પ્રશ્નો ખૂબ જ નિડરતાથી ઉઠાવતા આવ્યા છે. પક્ષ દ્વારા તેમને ઉમરગામથી અંબાજી સુધીની તમામ આદિવાસી બેઠકોની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. પરિવારની ચિંતા કર્યા વગર, ભૂખ્યા-તરસ્યા રહીને તેઓ દિવસ-રાત તમામ સમાજના લોકો વચ્ચે જઈને કામ કરી રહ્યા છે. તાલુકા અને જિલ્લા પંચાયતોમાં તેમના વધતા પ્રભાવથી ગભરાઈને જ ભાજપ સરકાર દ્વારા તેમના પર ખોટા કેસો અને એફ.આઈ.આર. કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં જ્યારે આમ આદમી પાર્ટી સત્તા બનાવી રહી હતી, ત્યારે ભાજપના નેતાઓએ આપણા ચૂંટાયેલા સભ્યોનું અપહરણ કરીને તેમને ઉઠાવી જવાનું કામ કર્યું હતું અને ખોટા કેસો કર્યા હતા. તેમણે જાહેર મંચ પરથી ભાજપના નેતાઓને આડે હાથ લેતા કહ્યું કે, જો તમારી પાસે ખરેખર જનસમર્થન અને ‘છપ્પનની છાતી’ હોય તો લોકશાહી ઢબે સીધો વિજય મેળવીને બતાવો; આ રીતે દીવાલો તોડીને, સભ્યોનું અપહરણ કરીને અને ૫૦૦-૫૦૦ મીટર સુધી પોલીસનો કાફલો ખડકીને ભયનો માહોલ ઊભો કરવાની શું જરૂર છે? સત્તા અને બંદૂકોના જોરે ડરાવવાનું રાજકારણ ચલાવનારાઓ સામે આદિવાસી સમાજ અને જનતા એક થઈને જવાબ આપશે.
https://www.facebook.com/share/v/1E3v9L2Jbv/




