
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિડીયોના માધ્યમથી જણાવ્યુ હતું કે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તો થઈ ગયું છે. હવે મારી વડાપ્રધાનજીને વિનંતી છે કે E-20 ઇંધણની સમસ્યાનો પણ ઉકેલ લાવી દો. લોકો આનાથી ખૂબ જ પરેશાન છે, સૌની ગાડીઓ ખરાબ થઈ રહી છે અને વાહનોની માઇલેજ પણ ઘટી ગઈ છે. વડાપ્રધાનજી પણ ત્યારે જ સાંભળશે જ્યારે આપણે બધા મળીને એકસાથે અવાજ ઉઠાવીશું. આ શનિવારે અમારો પ્રયાસ છે કે દેશભરમાં જેટલા લોકો E-20 થી દુઃખી છે અને એની સામે અવાજ ઉઠાવી રહ્યા છે, તે તમામ લોકોને એક જ મંચ પર લાવવામાં આવે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, શનિવારે સવારે ૧૧:૩૦ વાગ્યે આપ સૌ આ ‘નેશનલ ટાઉન હોલ’માં ભાગ લેવા માટે આમંત્રિત છો. જો તમે દિલ્હી કે તેની આસપાસ રહો છો, તો સવારે ૧૧:૩૦ વાગ્યે ‘કોન્સ્ટિટ્યૂશન ક્લબ’ પહોંચો, જ્યાં તમને તમારી વાત રજૂ કરવાનો મોકો મળશે. જો તમે દિલ્હી બહાર કે દૂર રહો છો અને આવી શકો તેમ નથી, તો તમે વર્ચ્યુઅલી (ઓનલાઇન) પણ અમારી સાથે જોડાઈ શકો છો. ઓનલાઇન જોડાવા માટે આપેલા નંબર 8588833212 પર વોટ્સએપ મેસેજ કરો, જેથી તમને એક દિવસ પહેલાં લિંક મોકલી દેવાશે. આ લિંક પર ક્લિક કરીને તમે ઓનલાઇન જોડાઈ શકશો અને તેમાંથી પણ ઘણા લોકોને બોલવાની તક અપાશે. આમાં તજજ્ઞો, કન્ટેન્ટ ક્રિએટર્સ, ઇન્ફ્લુઅન્સર્સ અને પીડિત જનતા સહિત તમામ લોકો આમંત્રિત છે. આપણે સૌ સાથે મળીને અવાજ ઉઠાવીશું તો વડાપ્રધાનજીએ આપણી વાત સાંભળવી જ પડશે.



