
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઈનચાર્જ રજનીકાંત વાઘાણી, અને નવસારી લોકસભા ઈનચાર્જ પંકજ તાયડેએ સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ પરિષદમાં પત્રકારોને સંબોધતા ’આપ’ નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે ભાવનગરમાં જે ઘટના ઘટી છે તેનાથી સમગ્ર ગુજરાત અત્યંત દુઃખી છે, કારણ કે અત્યાર સુધીમાં દસ જેટલા લોકો નકલી દારૂ પીવાના કારણે મોતને ભેટ્યા છે. આ ઘટનાથી સમગ્ર ગુજરાતની જનતા આંદોલિત છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની સાથે સમગ્ર ટીમે ગઈકાલે ભાવનગરમાં હોસ્પિટલની મુલાકાત લઈને મૃતક તેમજ પીડિત પરિવારો સાથે સાંત્વના વ્યક્ત કરી હતી. આ સમગ્ર ઘટના આપણા સૌની આંખ ખોલનારી છે. આ ઘટના માત્ર કથિત લઠ્ઠાકાંડ કે દારૂના અડ્ડાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ નિષ્ફળતાના કારણે સર્જાયેલો હત્યાકાંડ છે. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી કાયદો અને વ્યવસ્થા તદ્દન કથળેલી હાલતમાં છે અને જંગલરાજ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારના રજૂ થયેલા અહેવાલ મુજબ ગુજરાતમાં ગંભીર કેસોમાં ૩૨ ટકા જેટલો વધારો થયો છે, ૬૦ ટકા જેટલા ગંભીર ગુનેગારો હજુ પકડાયા નથી અને જનતા સાથે એક હજાર કરોડ રૂપિયા જેટલું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે. આ સિવાય અપહરણ, ધોળા દિવસે લૂંટ, ખૂન અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ અસામાન્ય બની ગયા છે અને નાના-મોટા અનેક કેસો તો પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાતા પણ નથી. આ બધી ઘટનાઓ પાછળનું મુખ્ય કારણ ગુજરાતનું ગૃહ મંત્રાલય તદ્દન નિષ્ફળ ગયું છે તે છે. જ્યારે પણ આવી ઘટના બને છે ત્યારે માત્ર નાના કર્મચારીઓ પર તવાઈ લાવીને તેમની બદલી કે સસ્પેન્શન કરવામાં આવે છે, પરંતુ તેમની ઉપર બેઠેલા અધિકારીઓ કે મંત્રાલયના મંત્રીઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી કે તેઓ જવાબદારી સ્વીકારતા નથી, જેનાથી ગુજરાતની જનતા અત્યંત દુઃખી છે. વ્યવસ્થા પરથી લોકોનો વિશ્વાસ ઊઠી રહ્યો છે અને આવા સમયે અમે માનીએ છીએ કે સરકારની જવાબદારી નક્કી થવી જોઈએ. છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતના લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપતા આવ્યા છે, પરંતુ તેનો અર્થ એવો બિલકુલ નથી કે લોકોને આવું અસુરક્ષિત વાતાવરણ કે જંગલરાજ મળે. જનતાએ આ સ્થિતિ માટે મત આપ્યા નહોતા. સત્તામાં બેઠેલા લોકો આજે તદ્દન બિનજવાબદાર બની ગયા છે. કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અનેક કિસ્સાઓમાં સામે આવી ચુકી છે. માત્ર રીલો બનાવવી, શૉ બાજી કરવી કે શો-શા કરવાથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરવાની નથી. આવા નિષ્ક્રિય અને નિષ્ફળ ગૃહમંત્રીથી ગુજરાત ચાલશે નહીં, તેથી આમ આદમી પાર્ટી માંગ કરે છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્વેચ્છાએ રાજીનામું આપવું જોઈએ અથવા મુખ્યમંત્રીએ તેમને તાત્કાલિક બરખાસ્ત કરવા જોઈએ.
’આપ’ નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે સરકાર ખરેખર ચિંતિત હોય અને કંઈક કરવા માંગતી હોય તે સાબિત કરવા માટે હર્ષ સંઘવીએ રાજીનામું આપવું જ પડશે. ગુજરાતના લોકો આનાથી ઘણું બહેતર શાસન ડિઝર્વ કરે છે, આવું કથળેલું કાયદો અને વ્યવસ્થાનું શાસન નહીં. આ સ્થિતિમાં જવાબદારી નક્કી થવી ખૂબ જરૂરી છે. હર્ષ સંઘવીના રાજીનામાની માંગણીને લઈને આમ આદમી પાર્ટી આવતીકાલે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા મથકો પર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. જ્યાં સુધી હર્ષ સંઘવીને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં આ આમ આદમી પાર્ટીનું મુખ્ય મિશન રહેશે અને પાર્ટી સતત ગુજરાતના લોકોને આ મિશન સાથે જોડતી રહેશે. કોઈપણ ઘટનામાં જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે; પંજાબની જેમ ગુજરાતમાં પણ ડ્રગ્સ અને દારૂનું દૂષણ નાબૂદ કરવા આમ આદમી પાર્ટી પ્રજાકીય ભાગીદારીથી સતત પ્રયત્નશીલ છે. ભરૂચમાં ચૈતરભાઈ વસાવા દ્વારા બુટલેગર અને પોલીસની હપ્તાખોરી ઉજાગર કરી હોય કે કચ્છમાં ડૉ.કાયનાત અંસારી દ્વારા અડ્ડાઓ પર પાડેલી રેડ હોય—ભાજપ સરકારની પોલીસ, જેલ કે બુટલેગરોના હુમલાથી ડર્યા વગર ‘આપ’ના કાર્યકર્તાઓ જાગૃત નાગરિકો સાથે લડતા રહ્યા છે. સરકારની પ્રાથમિક ફરજ પ્રજાની સુરક્ષા છે; જો સામાન્ય કર્મચારી કે ડ્રાઇવરને ભૂલ બદલ નોકરી ગુમાવવાનો ડર હોય, તો તેવો ડર સત્તામાં બેઠેલા મંત્રીઓને પણ હોવો જોઈએ. માત્ર નાના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા પૂરતા નહીં, પણ શિક્ષણ, સ્વાસ્થ્ય અને રેવન્યુ સહિતના વિભાગોમાં મંત્રીઓની પણ જવાબદારી નક્કી થવી જરૂરી છે. માત્ર ‘કડક કાર્યવાહી કરીશું’ જેવી પોકળ વાતો કરવાને બદલે જો સરકાર ખરેખર ગંભીર હોય તો તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે કાર્યવાહી કરી તેમનું રાજીનામું લેવું જ જોઈએ.




