
તમે જે વેઠી છે તે માત્ર હું અને પ્રિયંકા જ જાણીએ છીએ સોનિયા ગાંધીના પુસ્તકના લોન્ચિંગ પહેલા ભાવુક થયા રાહુલ ગાંધી ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધીની આત્મકથા Belonging: A Journey of Love નું કવર પેજ લોન્ચ કર્યું ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતિના પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના માતા સોનીયા ગાંધીની આત્મકથાનું કવર પેજ લોન્ચ કર્યું છે. સોનીયા ગાંધી દ્વારા લખાયેલી આ આત્મકથાનું નામ Belonging: A Journey of Love છે. અલ્ફ્રેડ એ. નોફ (Alfred A. Knopf) પબ્લિશર દ્વારા આ પુસ્તક ૧૦ નવેમ્બર, ૨૦૨૬ના રોજ પ્રકાશિત કરવામાં આવશે. આ પુસ્તકમાં સોનીયા ગાંધીનું અંગત જીવન, પ્રેમ, પરિવાર અને ભારતના રાજકારણમાં તેમની સફરના અનુભવો આલેખવામાં આવ્યા છે. સોનીયા ગાંધીની આત્મકથાનું કવર પેજ શેર કરતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર અત્યંત ભાવુક સંદેશ લખ્યો હતો. તેમણે લખ્યું કે, મમ્મી, મેં તમને અને પપ્પાને છેલ્લે ૩૫ વર્ષ કરતા પણ વધુ સમય પહેલા એકસાથે જાેયા હતા. જે દિવસે પપ્પા ગયા, ત્યારથી મેં તમને જિંદગીએ જે પણ પરિસ્થિતિઓ આપી તેનો હિંમત અને ગરિમા સાથે સામનો કરતા જાેયા છે. પપ્પાના ગયા પછી તમારી જિંદગી કેટલી મુશ્કેલ હતી અને તમે કયા સંજાેગોમાંથી પસાર થયા છો તે ફક્ત હું અને પ્રિયંકા જ જાણીએ છીએ. આજે પપ્પાના જન્મદિવસે હું તેમને સ્મિત કરતા અને પોતાની સુંદર સોનીયાને ગર્વથી જાેતા અનુભવી શકું છું.
આ પુસ્તકના પ્રકાશન અંગે પબ્લિશર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં સોનીયા ગાંધીએ પણ પોતાના મનની વાત રજૂ કરી છે. તેમણે જણાવ્યું કે, અંગત દુ:ખ, દિલ તૂટવા અને આઘાતજનક પરિસ્થિતિઓના કારણે જ હું જાહેર રાજકારણની દુનિયામાં આવી. તે પહેલાં મેં મારી પ્રાઈવસી અને અંગત જીવનને ખૂબ જ સાચવીને રાખ્યું હતું. મારી જિંદગી વિષે લખવું એ મારા માટે સરળ નહોતું, કારણ કે તેના માટે મારે મારા મનમાં ઊંડે છુપાયેલા અનુભવો અને ક્ષણોને દુનિયા સામે ખુલ્લા મુકવાના હતા.




