
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરતમાં કાળઝાળ ગરમી અને ફાટફાટ થતી મોંઘવારીના મારથી પીસાઈ રહેલી પ્રજા તેલ, ગેસ, દૂધ, અનાજ સહિતની જીવનજરૂરી ચીજોની સર્જાયેલી અછત અને વધેલા ભાવોથી ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે એવા સમયે જ આવેલી સ્વાયત સંસ્થાઓ નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં કોનું પલ્લું ભારે કરે છે એ સમજવું જરા અઘરું છે.
કારણકે આ ચૂંટણીમાં ભાજપ માટે લોઢાના ચણા ચાવવા પડે તો નવાઈ નહીં. ઉપરાંત ઘરેલુ ચીજો ના વધેલા ભાવ વધારાની સાથે જ સુરત શહેરમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન સત્તાપક્ષ સામે જે રીતે ઠેર-ઠેર વિરોધ જોવા મળ્યો ખાસ કરીને જે વિસ્તારો ભાજપના ગઢ સમાન છે તેવા વિસ્તારોમાં પણ ભાજપના કમીટેડ મતદારોએ પણ જાકારો આપતા ભાજપ ઉમેદવારોનું ટેન્શન વધ્યું છે
તો વળી પાટીદારોના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ આમ આદમી પાર્ટીનું જોર આ તમામ મુદ્દાઓ વચ્ચે પણ પ્રજામાં દેખાઈ રહ્યું છે ત્યારે હવે અન્ય મુદ્દાઓની જો વાત કરીએ તો લઘુમતી વિસ્તારોમાં અશાંતધારો, યુસીસી ના વિરોધમાં જે પ્રમાણે પોસ્ટરો લગાડી સત્તાધારી પાર્ટીનો જે વિરોધ કરાઈ રહ્યો છે એ પણ ભૂલાય એવું નથી. આમ આ વખતની ચૂંટણી ભાજપ માટે કપરા ચઢાણ ચડવાની રહેશે કારણ કે મતદારોનો સવાલોનો આક્રોશ જે પ્રમાણે ભાજપ ના ઉમેદવારોને શરમજનક દશા માં મૂકીને નજરો નીચી કરાવી પાછા ફરવા મજબૂર કરી રહ્યો છે. એ જોતા એટલુ તો ચોક્કસ છે કે પ્રજા હવે હિમ્મત દેખાડી ને સત્તાધારીઓને સવાલ પૂછી મૂંજવણમાં તો મૂકી જ રહી છે. ત્યારે પોતાની વોટ બેંક બચાવવા જે પ્રમાણેના શામ-દામ-દંડ-ભેદ ની નીતિનો બેશરમ બની ઉપયોગ કરનાર સત્તાધારી પક્ષ ભાજપ પરિવર્તનના પવનમાં ફેકાઈ જાય છે કે પવન અને આંધી વચ્ચે અડીખમ રહે છે એ તો હવે તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ જ ખબર પડશે.



