
કોક્રોચ જનતા પાર્ટીના દેશ વ્યાપી આંદોલનના કારણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. આજે આ આંદોલનના ભાગરૂપે આમ આદમી પાર્ટીના યુવા નેતાઓ ગાંધીનગર ખાતે આંદોલન કરવા એકઠા થયા હતા અને ત્યાં તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ ’આપ’ છાત્ર વિંગ પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા અને પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ પાયલ સાકરીયાએ અનશનની શરૂઆત કરી હતી અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ તેમણે આજે પોતાનું અનશન પૂર્ણ કર્યું છે. આ સમગ્ર મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટીના છાત્ર વિંગ પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે, મળતી માહિતી મુજબ ભારતના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. દેશભરના યુવાનો માટે આજે ખુશીનો માહોલ છે અને ખુશીનો માહોલ હોવો પણ જોઈએ કારણ કે આ GenZની જીત છે, યુવાનોની જીત છે, યુવાનોએ લડેલી લડતની જીત છે. સાથે સાથે ભારતમાં શરૂ થયેલી ક્રાંતિની આ એક શરૂઆત છે.
વધુમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે કે યુવાનો પહેલી વાર સ્વયંભૂ ઘરની બહાર આવ્યા અને યુવાનોએ પોતાની માંગ રજૂ કરી અને સરકારે આ યુવાનો પર અનેક દમનો કર્યા, યુવાનો સાથે મારઝૂડ કરવામાં આવી, દબાવવાનો પ્રયત્ન કર્યો, રોકવાનો પ્રયત્ન કર્યો, તેમ છતાં પણ દેશના યુવાનો અડીખમ ઊભા રહ્યા. ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં ભાજપની 25 વર્ષથી વધારે સમયની સરકાર છે, એવા રાજ્યમાં પણ યુવાનો પોતાના ઘરથી બહાર નીકળ્યા અને જ્યારે તેમનો અવાજ દબાઈ રહ્યો હતો ત્યારે પોલીસ સામે એમણે લડત લડી. તો આજે આ ખુશીનો માહોલ છે અને હું દેશના તમામ યુવાને અભિનંદન આપવા માંગુ છું, શુભકામનાઓ પાઠવું છું. જ્યારે જ્યારે પણ યુવાનો પર અત્યાચાર થાય, યુવાનો સાથે કંઈ ખોટું થાય, ત્યારે આવી જ લડાઈ તમામ યુવાનોએ લડવાની છે. આજે કોક્રોચ જનતા પાર્ટીના આંદોલનમાં સમર્થન આપીને મેં અને આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ પાયલબેન સાકરીયાએ અનશનની શરૂઆત કરી હતી, એને અમે આજે પૂર્ણ કરીએ છીએ.




