
સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજ તાયડે દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. મીડિયાને સંબોધન કરતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુકે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા થોડા સમય પહેલાં કરવામાં આવેલા કેસમાં તાજેતરમાં કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલજી સહિત આમ આદમી પાર્ટીના નેતાઓને ક્લીનચીટ આપવામાં આવી છે. કોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું છે કે આ તમામ લોકો સામે ષડયંત્રના ભાગરૂપે ખોટા કેસ બનાવવામાં આવ્યા હતા અને આ કેસ હવે બંધ કરવામાં આવ્યો છે. એટલે કે ફરી એકવાર સાબિત થયું છે કે અરવિંદ કેજરીવાલ કટ્ટર ઈમાનદાર નેતા છે અને આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર પાર્ટી છે, જે બાબત દેશની જનતા પહેલેથી જ જાણે છે. આ કોર્ટના ચુકાદા પછી દક્ષિણ ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં ખૂબ મોટી જનસભા યોજાવાની છે, જેમાં તેઓ જનતાને સંબોધશે. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સરકાર બનાવી છે, પંજાબમાં સરકાર બનાવી છે અને ગુજરાતમાં પણ પાર્ટી સતત મજબૂત બની રહી છે. 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને મજબૂત વિપક્ષ તરીકે આશીર્વાદ આપ્યો હતો અને અનેક નગરસેવકોને જીતાડ્યા હતા. ત્યારથી સુરતથી લઈને સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી સતત આગળ વધી રહી છે અને સંગઠન દિવસે દિવસે મજબૂત થઈ રહ્યું છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં પાંચ ધારાસભ્યો જીત્યા બાદ સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળવામાં પણ ગુજરાત અને ખાસ કરીને સુરતનું મહત્વનું યોગદાન રહ્યું છે. સુરતના તમામ કોર્પોરેટરોએ છેલ્લા પાંચ વર્ષમાં જનહિતના કામો કરીને લોકોના પ્રશ્નો ઉકેલવાના પ્રયત્નો કર્યા છે અને સુશાસન આપવા પ્રયત્ન કર્યો છે. આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી લાંબા સમયથી સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં વિવિધ કાર્યક્રમો યોજી રહી છે. “ગુજરાત જોડો જનસભા” જેવા કાર્યક્રમો યોજાયા છે અને દરેક મતદાન મથક સુધી મોહલ્લા સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા એક મહિનાથી પાર્ટીના તમામ કાર્યકરો ડોર ટુ ડોર સંપર્ક કરી રહ્યા છે અને બૂથ કમિટી સુધી એક-એક સોસાયટીમાં પહોંચીને સંગઠન મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ તમામ સંગઠનના સાથીઓને અરવિંદ કેજરીવાલજી સંબોધન કરશે.
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતની તમામ માતાઓ અને બહેનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં મહિલાઓના સશક્તિકરણ માટે અનેક કામ કરવામાં આવ્યા છે. મહિલાઓને મફત મુસાફરી જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને મહિલાઓના સન્માન માટે પણ મહત્વના નિર્ણયો લેવાયા છે. મહિલાઓને એક હજાર રૂપિયાની સન્માન રાશી આપવાની યોજના પણ દિલ્હી સરકાર દ્વારા અમલમાં મુકાઈ છે. આમ આદમી પાર્ટી આવનારા સમયમાં પણ મહિલા સશક્તિકરણ માટે સતત કામ કરતી રહેશે. વધુમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” જેવા નારા આપવામાં આવે છે, પરંતુ મહિલાઓની સુરક્ષા અંગેની હકીકત સમગ્ર ગુજરાતની જનતા જાણે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, વલસાડ, નવસારી સહિતના તમામ જિલ્લાઓમાંથી કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાશે અને મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. રામ ધડુકે વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની તૈયારીઓ 2022ની વિધાનસભા ચૂંટણી બાદથી સતત ચાલી રહી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દ્વારા વારંવાર જાહેરાત કરવામાં આવી છે કે આવનારી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખશે અને મજબૂતાઈથી ચૂંટણી લડશે. 11 તારીખથી ઉમેદવાર પસંદગી સમિતિની જાહેરાત કરવામાં આવશે અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ઉમેદવારોને સાંભળવાની અને પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.




