
વડાપ્રધાને રાજ્યના સ્થાનિક પર્યટનસ્થળોએ ફરવા જવા જાહેર અપીલ કરી હતી મધ્યમ વર્ગમાં ઘરઆંગણે ઓછાં ખર્ચે મજા: ડે પિકનિકનું ચલણ વધ્યું છેલ્લી ઘડીએ બુકિંગ રદ થતા કેટલાકે પરિવારો સાથે ‘રિસોર્ટ’માં વીકએન્ડ માણી વેકેશન માણ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક કટોકટીના સમયમાં દેશવાસીઓને વિદેશ પ્રવાસ ન ખેડી દેશ-રાજ્યના સ્થાનિક પર્યટનસ્થળોએ ફરવા જવા જાહેર અપીલ કરી હતી. આ અપીલને અમદાવાદીઓએ આવકારી છે, એટલું જ નહીં, વેકેશનમાં પરિવાર સાથે વિદેશ કે અન્ય રાજ્યોના પ્રવાસન સ્થળોએ જવાને બદલે અમદાવાદની આજુબાજુમાં આવેલા રિસોર્ટમાં જ પરિવાર સાથે વીકએન્ડ ગાળવા અથવા ડે પિકનિકનો વિકલ્પ અપનાવ્યો છે. વડાપ્રધાનની જાહેર અપીલની એવી અસર થઈ છે કે, અમદાવાદ આસપાસ આવેલા રિસોર્ટની ઈન્ક્વાયરીમાં ૨૦૦ ટકાનો તોતીંગ વધારો થયો છે. ૧૫ દિવસ પહેલા ડે પીકનિક માટે ગણ્યાગાંઠ્યા લોકો પૂછપરછ કરતા હતા, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં વીકએન્ડ(શનિ-રવિ, બે દિવસ) અને ડે પીકનિક માટે ખાસ્સી એવી પૂછપરછ જ નહીં, પરંતુ અનેક પરિવારોએ બુકિંગ પણ કરાવી લીધું છે. સાથોસાથ કોર્પાેરેટ જૂથો પણ એન્યુઅલ, કોર્પાેરેટ મીટિંગ કે અન્ય ઈવેન્ટ માટે રિસોર્ટ બુક કરવા લાગ્યા છે.ગુજરાતમાં ધો-૧૦ અને ધો-૧૨ની બોર્ડની પરીક્ષા પૂરી થયા બાદ કેટલાક પરિવારોએ વિદેશ પ્રવાસ માટે લક્ષદ્વીપ, મોરેશિયસ, બાલી અને યુરોપના દેશો જ્યારે મધ્યમ વર્ગીય પરિવારોએ દેશમાં જ જમ્મુ-કાશ્મીર, હિમાલચ પ્રદેશ, સિક્કિમ તો કેટલાક ગુજરાતી પરિવારોએ ‘સસ્તુ ભાડુ ને સિદ્ધપુરની જાત્રા’ની ઉક્તિને અનુસરીને નજીકના આબુ, ઉદેપુર, કુંભલગઢ, જેસલમેર જેવા સ્થળોએ વેકેશન ગાળવાનું આગોતરું આયોજન કર્યું હતું. જેમાંથી કેટલાક પરિવારોને કોઈ કારણસર બુકિંગ કે ટિકિટની સમસ્યા થઈ અને એ સમયગાળામાં જ વડાપ્રધાને જાહેર અપીલ કરતા આવા પરિવારોએ ટૂર કેન્સલ કરીને ઓછા ખર્ચમાં ગુજરાતમાં જ મજા માણવાનો ર્નિણય કર્યાે. વડાપ્રધાનની અપીલ અને લોકોની પૂછપરછ જાેતા રિસોર્ટ માલિકોએ વાજબી ભાવે પેકેજ ઓફર કરીને ધંધો કરવાની તક ઝડપી લીધી છે. અમદાવાદના એક બુટિક રિસોર્ટના માલિક મિલિન્દ શાહ કહે છે કે, વડાપ્રધાનની અપીલને ગુજરાતીઓએ આવકારી છે, એટલું જ નહીં, અમલમાં પણ મૂકી છે. જાહેર અપીલ બાદ ખૂબ જ ટૂંકા સમયમાં તેમણે ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓની છ મોટી ઈવેન્ટ કરી છે અને ૨૦૦થી વધુ ડે પીકનિકના બુકિંગ મેળવ્યા છે. તેઓ કહે છે કે, અમારો રિસોર્ટ અન્ય રિસોર્ટ કરતા અલગ-બુટિક રિસોર્ટ છે. જે લોકોને અલગ પ્રકારની અનુભૂતિ કરાવે છે. ઈન્ડોર-આઉટડોર ગેમ્સ અને સ્વિમિંગ પુલ સહિતના આકર્ષણ તો ખરા જ. ઈવેન્ટ મેનેજમેન્ટના ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રો કહે છે કે, મોંઘવારી અને સમયને અભાવે હવે અનેક પરિવારોમાં નજીકના સ્થળોએ વીકએન્ડ અથવા બે-ત્રણ દિવસના ‘આઉટીંગ’નો ટ્રેન્ડ વધી રહ્યો છે. જેમાં અનેક લોકો પરિવાર સાથે પોતાના બજેટમાં એન્જાેય કરે છે. કેટલીક કંપનીઓ પણ લોકલ ડેસ્ટિનેશનમાં ઈવેન્ટ માટે પૂછપરછ કરી રહી છે અને બજેટ મુજબ અમે તેમને આયોજન કરી આપીએ છીએ.જાેકે, ટૂર ઓપરેટરોને દર વર્ષની માફક આ વર્ષે પણ વેકેશનની સિઝન ફળી છે. ઉનાળુ વેકેશનમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર સહિત ઠંડા પ્રદેશોની ટૂર કરાવતા એક ઓપરેટર કહે છે કે, સામાન્ય રીતે પરીક્ષાઓ પહેલા એટલે કે ફેબ્રુઆરીમાં જ પૂછપરછ અને મોટાભાગે બુકિંગ શરૂ થઈ જાય છે. ગુજરાતીઓમાં પહેલેથી જ ઠંડા રાજ્યોમાં વેકેશન માણવાનું ચલણ છે.



