
મોંઘવારી-ભ્રષ્ટાચાર સામે ૭ દેશોમાં હિંસક વિરોધ ફ્રાન્સમાં કરફ્યુની તૈયારી, ઈટાલીમાં સૈનિકો મેદાને આ ગંભીર વાતાવરણને જાેતાં ફ્રાન્સ સ્થિત અમેરિકન દૂતાવાસે પોતાના નાગરિકો માટે સિક્યોરિટી એલર્ટ જારી કરીને હિંસાગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવા સૂચના આપી છે
મોંઘવારી, ભ્રષ્ટાચાર, શિક્ષણ વ્યવસ્થામાં ખામીઓ અને સરકારી નીતિઓ સામે ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, અલ્બેનિયા, બ્રાઝિલ, આજેર્ન્ટિના અને બેલ્જિયમ જેવા સાત દેશોમાં હિંસક વિરોધ પ્રદર્શનો તેજ બની ગયા છે. યુરોપ સહિત વિશ્વના ઘણા ભાગોમાં શરૂ થયેલા આ પ્રદર્શનો હવે બેકાબૂ બન્યા છે, જેમાં આગચંપી, લૂંટફાટ અને પોલીસ સાથે હિંસક અથડામણો સામાન્ય બની ગઈ છે. ફ્રાન્સમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે કર્ફ્યુ લાદવાની તૈયારીઓ ચાલી રહી છે જ્યારે ઇટાલીમાં પરિસ્થિતિ થાળે પાડવા માટે સેના ઉતારવી પડી છે.
ફ્રાન્સમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર બની છે. મોંઘવારી અને શિક્ષણ સુવિધાઓને લઈને શરૂ થયેલું આંદોલન હવે હિંસક બની ગયું છે અને રાજધાની પેરિસ સહિત દેશના મોટાભાગના શહેરો તેની લપેટમાં આવી ગયા છે. રસ્તાઓ પર વાહનો સળગાવવામાં આવી રહ્યા છે, શોપિંગ સ્ટોર્સ લૂંટાઈ રહ્યા છે અને સુરક્ષા દળો સાથે પ્રદર્શનકારીઓની ખુલ્લી અથડામણો થઈ રહી છે.
ક્રાઈસિસ મીટિંગ બાદ સરકાર દ્વારા સ્થાનિક વહીવટીતંત્રને જરૂર જણાય ત્યાં કર્ફ્યુ લાદવાના અધિકાર સોંપી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ ઉપદ્રવીઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આ ગંભીર વાતાવરણને જાેતાં ફ્રાન્સ સ્થિત અમેરિકન દૂતાવાસે પોતાના નાગરિકો માટે સિક્યોરિટી એલર્ટ જારી કરીને હિંસાગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવા સૂચના આપી છે.ઇટાલીના મિલાન સહિતના મોટા શહેરોમાં પણ વિરોધ પ્રદર્શનોએ હિંસક વળાંક લીધો છે. મિલાનમાં દુકાનોમાં તોડફોડ, લૂંટફાટ અને પોલીસકર્મીઓ સાથે થયેલી હિંસા બાદ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સરકારે ૫૦૦ સૈનિકોને શહેરમાં તૈનાત કરવા પડ્યા છે.
બીજી તરફ સ્પેનમાં સેકન્ડરી અને પ્રાઇમરી સ્કૂલના શિક્ષકો દ્વારા શરૂ થયેલું આંદોલન હવે સામાન્ય જનતાના રોષમાં ફેરવાઈ ગયું છે. વધતી મોંઘવારી ઉપરાંત બાર્સિલોનામાં ઘરોની આસમાને પહોંચેલી કિંમતો અને લઘુતમ વેતનને લઈને લોકો રસ્તા પર ઊતરીને સરકાર સામે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે.
અલ્બેનિયામાં વિપક્ષ વડાપ્રધાનના રાજીનામાની માંગ સાથે માર્ગો પર ઊતરી આવ્યો છે. આ આંદોલનમાં યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓ પણ જાેડાયા છે, જેઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક પગલાં, ઉત્તમ હેલ્થકેર, સુધારેલી શિક્ષણ વ્યવસ્થા અને પબ્લિક પેન્શનની પુન:રચના જેવી મુખ્ય માંગણીઓ ઉઠાવી રહ્યા છે.
બ્રાઝિલમાં મેટા સહિતની મોટી ટેકનોલોજી કંપનીઓ સામે ભારે વિરોધ જાેવા મળી રહ્યો છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે આ વિદેશી ટેક પ્લેટફોર્મ્સ દેશની ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વિવાદ વચ્ચે બોલ્સોનારો અને લુલા દા સિલ્વાના સમર્થકો પણ રસ્તા પર સામસામે આવી જતાં તણાવ વધી ગયો છે.આજેર્ન્ટિનામાં સરકારી બજેટ અને સરકારી યોજનાઓમાં કરાયેલા ઘટાડા સામે જનતામાં ઉગ્ર અસંતોષ ફેલાયો છે. જ્યારે બેલ્જિયમમાં સતત વધતી મોંઘવારી અને જીવનનિર્વાહના ઊંચા ખર્ચ સામે નાગરિકોએ વિશાળ રેલીઓ યોજીને સરકારની આર્થિક નીતિઓનો જાેરદાર વિરોધ કર્યો છે.
વૈશ્વિક સ્તરે ફેલાઈ રહેલી આ હિંસા પર આંતરરાષ્ટ્રીય નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. યુરોપિયન દેશો, ખાસ કરીને ફ્રાન્સની ઇમિગ્રેશન પોલિસી સામે આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે અને ચેતવણી આપવામાં આવી છે કે જાે આવી નીતિઓ અને હિંસક સ્થિતિ પર કાબૂ મેળવવામાં નહીં આવે, તો યુરોપિયન શહેરો પોતાની મૂળભૂત ઓળખ ગુમાવી બેસશે.




