
અમદાવાદમાં ભીલ સમાજનો આક્રોશ.ભીલ સમાજ દ્વારા ચૂંટણીના બહિષ્કારની ચીમકી અપાઈ.જાતિના દાખલા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશ.અમદાવાદના અસારવા ખાતે ગુજરાતના ૧૫ જેટલા જિલ્લાઓમાંથી આવેલા ભીલ સમાજના આગેવાનોએ એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં સમાજને જાતિના દાખલા મેળવવામાં થતી મુશ્કેલીઓ અંગે એકસૂરમાં હુંકાર ભરવામાં આવ્યો હતો. આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાે તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરીને ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
ભીલ સમાજના પ્રમુખ મફતભાઈ રાણાએ સરકાર સમક્ષ સમાજની મુખ્ય ચિંતાઓ અને માંગણીઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, જણાવ્યું કે, સરકાર દ્વારા જાતિના દાખલા માટે ૧૯૫૦ પહેલાના પુરાવા માંગવામાં આવે છે. જે તાત્કાલિક ધોરણે રદ થવા જાેઈએ.
શહેર વિસ્તારમાં રહેતા લોકો આટલા જૂના પુરાવા ક્યાંથી લાવે? આ પદ્ધતિના કારણે ખોટો પૂજાય છે અને સાચો મૂંઝાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.
જે લોકો ખોટા દાખલા લઈને બેઠા છે તે અધિકારીઓ બની ગયા છે, જ્યારે ખરેખર હકદાર લોકો વંચિત રહી જાય છે. પહેલા લોહીની સગાઇના સંબંધોના આધારે દાખલા મળતા હતા, તે પદ્ધતિ પુન:સ્થાપિત થવી જાેઈએ. ગયા વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂબરૂ મળવા બોલાવી નિકાલ લાવવાની વાત કરી હોવા છતાં આજદિન સુધી સમય આપવામાં આવ્યો નથી. આથી, હવે ભીલ સમાજ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને આગામી દિવસોમાં ગાંધીનગર છાવણી ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરાશે.
તેમણે જણાવ્યું કે આદિવાસી ભીલ સમાજના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળતા સરકારી લાભો, જેમ કે પ્રિશિપ કાર્ડ અને શિષ્યવૃત્તિ મળતા નથી. તાત્કાલિક ધોરણે આ લાભો શરૂ કરવામાં આવે. ગાંધીનગર ખાતે બિરસામુંડા ભવનમાં રચાયેલી વિશ્લેષણ સમિતિને તાત્કાલિક રદ્દ થાય.




