
અમદાવાદ. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અમદાવાદ સ્થિત ઝોનલ મુખ્યાલય સુખ શાંતિ ભવનના બ્રહ્માકુમારી નંદિનીબહેને તાજેતરમાં જ પત્રકારત્વમાં પીએચ.ડી. પૂર્ણ કરી (ડોક્ટર ઓફ ફિલોસોફી) ની ડિગ્રી મેળવી છે.
બ્રહ્માકુમારી નંદિનીબહેને “આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ દ્વારા સમાજમાં મૂલ્યોનું સંવર્ધન: એક અધ્યયન” વિષય પર સંશોધન કાર્ય પૂર્ણ કરી એક થીસીસ તૈયાર કરી છે. અમદાવાદ સ્થિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશન વિભાગમાંથી ૭૧.૫% ગુણ સાથે ભારતમાં આ એક નવી શોધ કરેલ છે.
૧. રાષ્ટ્રીય ભાષામાં “આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ” વિષય પર ખૂબ જ ઊંડાણપૂર્વક, ખૂબ જ ચોકસાઈ સાથે, ખૂબ જ વિગતવાર અને સંપૂર્ણપણે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને સંશોધન કરનાર બ્ર.કુ. ડૉ. નંદિની બહેનને ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે.
૨. સમગ્ર પત્રકારત્વના ક્ષેત્રમાં “આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ” જેવા નવા વિષય અને નવી વિધા ઉપર કામ કરી સંશોધન કરનાર તેઓ ગુજરાતના પ્રથમ સંશોધક બન્યા છે. આ નવીન વિષયમાં સર્વ પ્રથમ તેમની દળદાર થીસીસ (શોધગ્રંથ) તૈયાર થયેલ છે.
૩. આ સંશોધનની ખૂબી એ છે કે, તેમાં ફક્ત ૩% સમાનતા સૂચકાંક છે.
૪. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, નવી દિલ્લીની વેબસાઇટ INFLIBNET (શોધગંગા) પર આ થીસીસ અને સંશોધન સારાંશ આ લિંક પર http://hdl.handle.net/10603/627371 ઓનલાઇન ઉપલબ્ધ છે.
૫. ફક્ત પત્રકારત્વના ક્ષેત્રમાં નવી વિધા અને નવીન વિષય પર સંશોધન કાર્ય કરનારા તેઓ બ્રહ્માકુમારી સંસ્થાના સર્વ પ્રથમ સમર્પિત બ્રહ્માકુમારી બહેન છે.
“આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ દ્વારા સમાજમાં મૂલ્યોનું સંવર્ધન: એક અભ્યાસ” વિષય પર માર્ગદર્શક પ્રો. ડૉ. વિનોદ કુમાર પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ સંશોધન કાર્ય પૂર્ણ કરીને એક વિસ્તૃત દળદાર સંશોધન નિબંધ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે સાથે, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલની શુભેચ્છાઓને કારણે આ સંશોધન કાર્ય સવિશેષ પણ બન્યું. પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશન વિભાગના અધ્યક્ષ અને ડીન પ્રો. ડૉ. અશ્વિન કુમાર અને પ્રો. ડૉ. પુનિતા હર્નેનો પણ આ સંશોધન કાર્યમાં ખાસ સાથ સહકાર રહ્યો.
ઈશ્વરીય તથા લૌકિક પરિવારનો સતત સાથ, સહકાર, સહયોગ અને સમર્થનની સાથે-સાથે સૌની શુભભાવના અને શુભકામનાઓ થકી આ સંશોધન સફળતાપૂર્વક સહજતાથી પૂર્ણ થયું.
બ્રહ્માકુમારી નંદિનીબહેન અભ્યાસમાં શરૂઆતથી જ ખૂબ તેજસ્વી વિદ્યાર્થીની રહ્યા. પત્રકારત્વના સ્નાતક અભ્યાસક્રમમાં તેઓ વર્ધમાન મહાવીર વિશ્વવિદ્યાલયમાં પ્રથમ ક્રમાંક ઉપર રહી ગોલ્ડ મેડલ મેળવ્યો. તથા પત્રકારત્વના અનુસ્નાતક (માસ્ટર ડિગ્રી) અભ્યાસક્રમમાં યુનિવર્સિટીમાં તેઓ દ્વિતીય ક્રમાંક પણ મેળવેલ છે. MSc મૂલ્ય શિક્ષાના અનુસ્નાતક કક્ષાએ યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે રહ્યા.
બ્રહ્માકુમારી નંદિનીબહેનને મૂલ્ય આધારિત પત્રકારત્વમાં ખાસ રુચિ હોવાથી, વિવિધ મૂલ્યો આધારિત લેખો ઓનલાઇન અને ઓફલાઇન પ્રકાશિત થયા છે. ફોટો જર્નાલિઝમ પણ તેમનો ખાસ રસનો વિષય રહ્યો છે.
અલબત્ત નંદિની બેનના પિતાશ્રી હર્ષદભાઈ દ્વિવેદીને પણ બેસ્ટ આર્કિટેક્ટ એવોર્ડના વિજેતા તરીકેનું બહુમાન પ્રાપ્ત છે. જ્યારે માતાશ્રી હેમલતાબેન પણ ગુજરાત વિદ્યાપીઠમાંથી એમ.એડ.ની ડિગ્રીમાં સર્વોત્તમ ગુણ સાથે પ્રથમ ક્રમાંક પર રહી ચૂકેલ છે. અને તેમના નાના બહેન ડો. પાયલ દ્વિવેદીને પણ આધ્યાત્મિકતામાં સંશોધન કરી ડોક્ટરેટની ઉપાધિ મેળવેલ છે. ત્યારે એ કહેવત યાદ આવે છે કે, મોરના ઇંડાને ચીતરવા ન પડે….
