
કાર્નિવલની જેમ મહોત્સવ યોજવાની કોંગ્રેસની માગ અમદાવાદમાં દિવાળી ઉપર કાંકરિયા ખાતે યોજાય દીપોત્સવ કોંગ્રેસની માગ છે કે ક્રિસમસ દરમિયાન યોજાતા કાંકરિયા કાર્નિવલની જેમ દિવાળીમાં પણ ભવ્ય આયોજન કરાય
અમદાવાદમાં દિવાળીના તહેવારને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા માટે કાંકરિયા તળાવ ખાતે દીપોત્સવ મહોત્સવ યોજવાની માગ ઉઠી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને પત્ર લખીને દિવાળીના તહેવાર દરમિયાન કાંકરિયા ખાતે પાંચથી છ દિવસનો દિવાળી દીપોત્સવ મહોત્સવ યોજવા રજૂઆત કરવામાં આવી છે.
કોંગ્રેસની માગ છે કે ક્રિસમસ દરમિયાન યોજાતા કાંકરિયા કાર્નિવલની જેમ દિવાળીમાં પણ ભવ્ય આયોજન કરવામાં આવે.
કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રાજેશ ટી. સોનીએ મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં કાંકરિયા તળાવને લાખો દીવડાઓ અને આકર્ષક રોશનીથી શણગારવાની માગ કરી છે. આ ઉપરાંત મહોત્સવ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકસંગીત અને જાણીતા કલાકારોના કાર્યક્રમો યોજવાની પણ રજૂઆત કરવામાં આવી છે. જેથી અમદાવાદના નાગરિકો પરિવાર સાથે દિવાળીના તહેવારની ઉજવણીનો આનંદ માણી શકે.
કોંગ્રેસની રજૂઆત મુજબ દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજથી લઈને લાભપાંચમ સુધી કાંકરિયા ખાતે પાંચથી છ દિવસનો દીપોત્સવ યોજવો જાેઈએ. આ દરમિયાન બાળકો, યુવાનો અને પરિવારો માટે મનોરંજનના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
કોંગ્રેસે કાંકરિયા દીપોત્સવમાં તમામ નાગરિકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિ:શુલ્ક રાખવાની પણ માગ કરી છે. ક્રિસમસ કાર્નિવલમાં જે રીતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે, તેવી જ રીતે દિવાળીના તહેવારમાં પણ અમદાવાદીઓને ભવ્ય ઉજવણીનો લાભ મળવો જાેઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે.
કોંગ્રેસના જણાવ્યા અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ આશરે રૂ. ૧૮ હજાર કરોડનું છે. ત્યારે શહેરમાં વિવિધ કાર્યક્રમો પાછળ ખર્ચ કરવામાં આવે છે, તો દિવાળી જેવા મોટા તહેવાર નિમિત્તે પણ નાગરિકો માટે ભવ્ય આયોજન થવું જાેઈએ. ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પોતાના જ શહેરમાં પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવાની તક મળશે. કોંગ્રેસે આગામી દિવાળીના તહેવારથી જ કાંકરિયા ખાતે દિવાળી દીપોત્સવ મહોત્સવ શરૂ કરવાની માગ કરી છે. જાે આ રજૂઆત સ્વીકારવામાં આવે તો અમદાવાદના નાગરિકોને દિવાળીના વેકેશન દરમિયાન કાંકરિયા ખાતે દીવડાઓની રોશની, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મનોરંજનનો લાભ મળી શકે છે. જાેકે, આ આયોજન અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજુ સત્તાવાર ર્નિણય જાહેર કરવામાં આવ્યો નથી.




