
DEO એ શાળાઓને આપી મહત્વપૂર્ણ સૂચના દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓને હોમવર્કના ભારણમાંથી મળશે મુક્તિ લાંબા પ્રોજેક્ટ અને બિનજરૂરી લેખનકાર્ય ટાળવા આદેશ
દિવાળીના તહેવાર પહેલાં અમદાવાદના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દિવાળી વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસના ભારણમાંથી મુક્તિ મળે અને તેઓ રજાઓનો આનંદ માણી શકે તે માટે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા શાળાઓને મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. આ સૂચના મુજબ શાળાઓએ વિદ્યાર્થીઓને વધુ પડતું હોમવર્ક, લાંબા પ્રોજેક્ટ અને બિનજરૂરી લેખનકાર્ય આપવાનું ટાળવું પડશે. જેથી વિદ્યાર્થીઓ પરિવાર સાથે સમય વિતાવી શકે અને રજાઓ દરમિયાન સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે.
દિવાળી વેકેશન વિદ્યાર્થીઓ માટે આનંદ, આરામ અને પરિવાર સાથે સમય વિતાવવાનો ખાસ અવસર હોય છે. જાેકે, ઘણી શાળાઓ દ્વારા રજાઓ દરમિયાન મોટા પ્રમાણમાં હોમવર્ક અને પ્રોજેક્ટ આપવામાં આવતા વિદ્યાર્થીઓની રજાઓ અભ્યાસમાં જ પસાર થતી હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને વધુ પડતું હોમવર્ક ન આપવા સૂચના આપી છે.
DEO દ્વારા શાળાઓને ખાસ કરીને સમય માંગી લેતા લાંબા પ્રોજેક્ટ, વધુ પડતું લેખનકાર્ય અને બિનજરૂરી અભ્યાસલક્ષી પ્રવૃત્તિઓ ટાળવા જણાવાયું છે. વિદ્યાર્થીઓ પર વેકેશન દરમિયાન અભ્યાસનું વધારાનું ભારણ ન આવે અને તેઓ રજાઓનો યોગ્ય ઉપયોગ કરી શકે તેવો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓનો વિકાસ માત્ર પુસ્તકીય અભ્યાસથી જ થતો નથી, પરંતુ રમતગમત, ચિત્રકામ અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આથી વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને આવી પ્રવૃત્તિઓમાં જાેડાવા પ્રોત્સાહિત કરવા સૂચના આપવામાં આવી છે.
દિવાળી વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ પરિવારજનો સાથે સમય વિતાવી શકે, તહેવારોની ઉજવણીમાં ભાગ લઈ શકે અને પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરી શકે તે બાબત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ ર્નિણયથી વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે માનસિક આરામ અને મનોરંજનનો પણ સમય મળી શકશે.
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને હોમવર્કના ભારણમાંથી રાહત આપવાની સૂચના વચ્ચે બીજી તરફ બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વિશેષ માર્ગદર્શન અને અભ્યાસની તૈયારી પર ભાર મૂકવામાં આવ્યો છે. બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં પાછળ ન રહી જાય અને અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરી શકે તે માટે જરૂરી આયોજન કરવા જણાવાયું છે.
અમદાવાદ DEO ની આ સૂચનાથી ખાસ કરીને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત મળશે. દિવાળી વેકેશનનો સમય માત્ર હોમવર્ક અને પ્રોજેક્ટ પાછળ પસાર કરવાને બદલે વિદ્યાર્થીઓ પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકશે અને પોતાની રુચિ મુજબની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે. હવે શાળાઓ આ સૂચનાનું કેટલું પાલન કરે છે તેના પર સૌની નજર રહેશે.




