
જાતિભેદના કારણે ગરબા રમવા દેવામાં ન આવતા વિવાદ.વીરપુરમાં ગરબા રમવા ગયેલા દલિત મહિલા સાથે ભેદભાવ.આ મામલે વીરપુર પોલીસ સ્ટેશનમાં ૪ મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છ.નવરાત્રિના પાવન પર્વ પર લોકો આસ્થાભેર ગરબામાં જાેડાય છે. તેવામાં મહીસાગરના વીરપુર તાલુકાના ભરોડી ગામમાંથી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. જ્યાં દલિત મહિલાઓ ગરબા રમવા જતાં જાતિવાદી માનસિકતાનો શિકાર બની હતી. ભરોડી ગામમાં દલિત સમાજની મહિલાઓને જાતિભેદના કારણે ગરબા રમવા દેવામાં ન આવતા વિવાદ સર્જાયો છે. આ મામલે વીરપુર પોલીસ સ્ટેશનમાં ૪ મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જ્યારે FIR મા PIએ આરોપી સરપંચના પરિવાર સહિતના લોકોના નામ ન નોંધ્યા હોવાનું પીડિતાએ આક્ષેપ કર્યો છે.
મળતી માહિતી મુજબ, વીરપુર તાલુકાના ભરોડી ગામમાં નવરાત્રિ દરમિયાન દલિત સમાજની મહિલાઓ ગામના સાર્વજનિક ગરબા મંડળમાં ગરબે ઘૂમવા ગઈ હતી. પરંતુ તેમને ગરબા રમવા દેવામાં ન આવ્યા. એક ચોક્કસ સમુદાયની મહિલાઓ દ્વારા જાતિવાદનો ભેદ રાખી દલિત મહિલાઓ સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગરબા બંધ થઈ ગયા હતા.
આ ઘટના બાદ દલિત સમાજની મહિલાઓ અને યુવકોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો. જ્યારે દલિત મહિલાઓ ગરબા રમવા જતાં અન્ય કેટલીક મહિલાઓએ તેમને બહાર કાઢીને મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. દલિત મહિલાઓ આક્ષેપ કર્યો છે કે, અન્ય સમાજની મહિલાઓએ અમને ધમકી આપી કે, હવે અહીં ગરબા રમવા આવશો તો જીવતા નહીં જવા દઈએ. જેમાં આરોપીઓએ જાતિ વિષયક શબ્દોનો ઉપયોગ કરી દલિત મહિલાઓને અપમાનિત કરી હતી.
આ સમગ્ર ઘટના બાદ ફરિયાદી રિંકુબેન વણકરે ૧૧૨ નંબર પર પોલીસને જાણ કરી હતી, પરંતુ તેઓએ પોલીસ પર મદદ ન કરવાનો આરોપ લગાવ્યો છે. આખરે, દલિત સમાજની મહિલાઓ જાતે જ વીરપુર પોલીસ સ્ટેશન પહોંચી અને પોતાની આપવીતી જણાવી હતી. આ મામલે લોમાબેન પટેલ, રુષ્ટિબેન પટેલ, રોશનીબેન પટેલ અને મીનાબેન પટેલ એમ કુલ ચાર મહિલાઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફરિયાદી રિંકુબેન વણકરે જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ બનતી રહે છે અને ઘણા પ્રસંગોએ જાતિવાદ જાેવા મળે છે. સમગ્ર મામલે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
જ્યારે બનાવને લઈને ફરિયાદીએ પોલીસ પર કેટલાક શખ્સોને બચાવવા માટે એમના નામો ફરિયાદમાં દાખલ ન કર્યાના આક્ષેપ પણ કર્યા છે.




