
૨૧૦ કરોડની ઠગાઈ અને ૭ કરોડની બેંક લૂંટનો પર્દાફાશ વડોદરાથી ભાવનગર સુધી સાયબર ક્રાઇમનું કૌભાંડ ઝડપાયું ઓપરેશન ‘મ્યુલ હન્ટ’ અંતર્ગત વડોદરામાં ૭ આરોપીઓની ધરપકડ સાથે મોટા નેટવર્કનો ભાંડો ફૂટ્યો ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલા ઓપરેશન ‘મ્યુલ હન્ટ’ દરમિયાન સાયબર ગુનેગારો વિરુદ્ધ મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરમાં કાર્યરત નેટવર્ક સાયબર ઓફ એક્સેલેન્સને ખાસ ઝુંબેશ દરમિયાન બે અલગ-અલગ ગેંગ સામે મહત્વપૂર્ણ પુરાવા હાથ લાગ્યા છે. આ ગેંગ દ્વારા કરવામાં આવેલા સાયબર ફ્રોડના કૌભાંડનો પર્દાફાશ થતાં સમગ્ર પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે. રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઈમના પરિપ્રેક્ષ્યમાં આ કાર્યવાહી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વડોદરા શહેરમાંથી ઓપરેટ થતી બે સાયબર ગેંગની સંડોવણી સામે આવી છે, જેઓએ અંદાજે રૂપિયા ૨૧૦ કરોડ જેટલી રકમનો સાયબર ફ્રોડ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ટોળકી માત્ર એકાદ-બે નહીં, પરંતુ કુલ ૨૭૩ જેટલા ગુનાઓ સાથે સીધી રીતે જાેડાયેલ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. સાયબર ઠગાઈથી મેળવેલી રકમની હેરફેર કરવા માટે તેઓ ખાસ સક્રિય હતા અને ૨૫૩ જેટલા કિસ્સાઓમાં ગેરકાયદેસર ટ્રાન્સફર થયાનું બહાર આવ્યું છે. આ આંકડાઓથી ગેંગના નેટવર્કની વ્યાપકતા સ્પષ્ટ થાય છે.
સાયબર સેન્ટર ઓફ એક્સેલેન્સના એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસે અત્યાર સુધીમાં ૭ આરોપીઓને દબોચ્યા છે. ધરપકડ કરાયેલાઓ પાસેથી ગુનામાં વપરાતી વિવિધ સાધન-સામગ્રી અને બેંકિંગ દસ્તાવેજાે કબજે કરવામાં આવ્યા છે. પોલીસ જપ્તીમાં ૯ પાસબુક, ૩૯ ડેબિટ કાર્ડ અને ૧૨ ચેક બુક જેવી મહત્વપૂર્ણ મત્તાનો સમાવેશ થાય છે. આ દસ્તાવેજાેના આધારે હવે અન્ય કેટલા બેંક ખાતાઓનો ગેરકાયદેસર ઉપયોગ થયો છે તેની દિશામાં તપાસ આગળ વધી રહી છે.
પોલીસ મુજબ આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર હજી સુધી ફરાર છે અને તેને પકડવા માટે સઘન તજવીજ ચાલે છે. પ્રાથમિક તપાસ મુજબ આ કૌભાંડના મૂળ સુધી પહોંચતા હજુ અનેક રહસ્યો દફન છે. મુખ્ય આરોપીની ધરપકડ થયા બાદ આ નેટવર્ક કેટલું વ્યાપક છે અને તેમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે તેની વધુ વિગતો બહાર આવે તેવી સંભાવના છે. વડોદરામાં ઝડપાયેલું આ રેકેટ રાજ્યમાં સાયબર ક્રાઈમની ગંભીરતા અને તેના સંગઠિત રૂપની ઝલક આપે છે.
બીજી તરફ ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં ૭ કરોડની સાયબર ઉચાપતનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે. હોળી અને ધુળેટીના તહેવારોની રજાઓ દરમિયાન હેકર્સે બેંકની CBS (Core Banking Solution) સિસ્ટમમાં રહેલી ટેકનિકલ ખામીનો લાભ ઉઠાવી એક જ રાતમાં અંદાજે ૭ કરોડ રૂપિયા અલગ-અલગ ૧૩૫ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા.
સાયબર સેન્ટર ઓફ એક્સેલેન્સના ડૉ. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી તપાસમાં ૪ મુખ્ય આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. હાલ તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે જેથી લૂંટાયેલા નાણાંની રિકવરી અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પોલીસ પહોંચી શકે. આ ઘટનાએ બેંકો માટે ડિજિટલ સુરક્ષા વધુ મજબૂત બનાવવાની તાતી જરૂરિયાતને ઉજાગર કરી છે.



