
હળવદમાં જમીનમાંથી ગરમ હવા નીકળવાનું રહસ્ય ઉકેલાયું ગાંધીનગરથી વિશેષ ટીમ અને જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા ની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા માનગઢ ગામે એક વીજપોલ પાસેની જમીનમાંથી અચાનક ગરમ હવા નીકળવાની ઘટના સામે આવતાં સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય અને ભયનો માહોલ સર્જાયો હતો. જમીનમાંથી ગરમ વાયુ કે કોઈ કુદરતી ગેસ નીકળતો હોવાની વિવિધ અફવાઓએ જાેર પકડ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ગાંધીનગરથી વિશેષ ટીમ અને જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા ની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી.જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા ની ટીમે ટેકનિકલ તપાસ કરતા અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસ રિપોર્ટ અનુસાર, આ ઘટનામાં જમીન નીચે કોઈ કુદરતી ગેસ કે જ્વાળામુખી જેવી બાબત નથી પરંતુ વીજપોલ સાથે અર્થિંગનો તાર જાેડેલો ન હતો. અર્થિંગના અભાવે વીજપોલમાંથી વીજ કરંટ સીધો જમીનમાં ઉતરી રહ્યો હતો, જેના લીધે તાપમાન વધતાં જમીનમાંથી ગરમ હવા બહાર ફેંકાઈ રહી હતી.
આ ખુલાસા બાદ વીજ કંપની અને સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ક્ષતિગ્રસ્ત વીજપોલ તેમજ જૂના વાયરો બદલવાની કાયદેસરની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ માત્ર ઈલેક્ટ્રિકલ ફોલ્ટને કારણે બનેલી ટેકનિકલ ઘટના હતી અને કોઈ ગેસ લીકેજ નથી, જેથી ગ્રામજનોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ભયભીત થવાની જરૂર નથી.




