
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ‘ભારતીય પત્રકાર સંરક્ષા સમિતિ’ દ્વારા આયોજિત રાષ્ટ્રીય દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને તેમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે પત્રકારોની સરખામણી દેશના સૈનિકો સાથે કરતા જણાવ્યું કે, જે રીતે આર્મીના જવાનો કોઈ પણ સ્વાર્થ વગર દેશની સરહદો અને સુરક્ષા માટે લડે છે, તેવી જ રીતે પત્રકારો પણ સમાજમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર, ગુંડા તત્વો, ભ્રષ્ટ રાજનેતાઓ અને અધિકારીઓ સામે પોતાનો પત્રકારત્વનો ધર્મ નિભાવતા નીડરતાથી લડે છે. આ સત્ય ઉજાગર કરવાની પ્રક્રિયામાં વારંવાર પત્રકારો પર ખોટા કેસો કરવામાં આવે છે, તેમને ડરાવવામાં આવે છે, ધમકીઓ આપવામાં આવે છે અને ઘણીવાર તો પત્રકારોની હત્યા પણ કરી દેવામાં આવે છે.
ઇસુદાન ગઢવીએ પોતાના ૧૬ વર્ષના પત્રકારત્વના વ્યક્તિગત અનુભવને યાદ કરતા ઉમેર્યું કે, સામાન્ય રીતે પત્રકારો આર્થિક રીતે સક્ષમ હોતા નથી. જ્યારે કોઈ રિપોર્ટર કે બ્યુરો ચીફનું અવસાન થતું, ત્યારે તેમના પરિવાર પાસે આગળના બે મહિના ઘર ચલાવવા જેટલા પણ નાણાં હોતા નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને તેમણે સરકારશ્રી સમક્ષ રજૂઆત કરી છે કે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ, યુટ્યુબ કે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા તમામ પત્રકારોને યોગ્ય સરકારી માન્યતા આપવામાં આવે. આ સાથે જ પત્રકારોને આર્થિક રીતે સધ્ધર બનાવવા, તેમને પૂરતી સુરક્ષા પૂરી પાડવા અને ઓન-ડ્યુટી કોઈ પત્રકારનું મૃત્યુ થાય તો તેમના પરિવારને આજીવન સન્માનજનક આર્થિક પેકેજ આપવામાં આવે તેવી કડક માગણી તેમણે કરી છે.





