
ઇડીએ ટ્રેન રોકાવીને બેંકના બરતરફ અધિકારીની ધરપકડ કરી.બીઓઆઇના હિતેશ સિંગલાએ ૧૨૭ બેંક ખાતાઓમાંથી ૧૬.૧૦ કરોડની હેરાફેરી કરી હતી.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બુધવારે બે રાજ્યોમાં ૧૩ કલાકથી વધારે સમય સુધી દરોડા પાડયા હતાં.
આ કાર્યવાહી પછી બીઓઆઇના બરતરફ કરાયેલા અધિકારી હિતેશ સિંગલાની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હિતેશ સિંગલા પર વરિષ્ઠ નાગરિકો, સગીરો, મૃતક ગ્રાહકો અને નિષ્ક્રિય ખાતાધારકોના ૧૨૭ ખાતાઓમાંથી ૧૬.૧૦ કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ મૂકવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર છેતરપિંડીનો પર્દાફાશ થયા પછી સિંગલા ભાગેડું હતાં. ઇડીના અધિકારીઓએ અમદાવાદમાં ઉજ્જૈન-વેરાવળ ટ્રેન રોકાવીને ભાગેડું સિંગલાની ધરપકડ કરી હતી.
ઇડીના અધિકારીઓએ સિંગલાને મુંબઇની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટમાં રજૂ કર્યા હતાં. કોર્ટે ત્યાંથી તેમને ઇડીની કસ્ટડીમાં મોકલી દીધા હતાં.
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર સિંગલાએ લગભગ બે વર્ષ સુધી છેતરપિંડી આચરી હતી. સિંગલાએ કોઇની પણ મંજૂરી વગર એફડી, પીપીએફ, વરિષ્ઠ નાીગરિકોનાં બેંક ખાતા અને ચાલુ નિષ્ક્રિય ખાતાને બંધ કરવા માટે બીઓઆઇની સિસ્ટમમાં હેરાફેરી કરી હતી. એક રિપોર્ટ અનુસાર તપાસમાં જાણવા મળ્યું છે કે સિંગલાએ છેતરપિંડી આચરવા માટે એવા ખાતાઓની પસંદગી કરી હતી જેમાં તપાસની શક્યતા ખૂબ જ ઓછી હતી. જેમાં વરિષ્ઠ નાગરિકો, સગીર, સ્વર્ગસ્થ ગ્રાહકો અને લાંબા સમયથી નિષ્ક્રિય ખાતાઓ સામેલ હતાં.
