
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય તરીકે મેં એક પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જૂનાગઢ જિલ્લાની સરકારી શાળાઓને સરકાર તરફથી આપવામાં આવતા મફત પાઠ્યપુસ્તકોમાંથી કેટલાં પુસ્તકો પહોંચ્યા છે, કેટલાં હજુ બાકી છે અને બાકીનાં પુસ્તકો ક્યારે મળશે? સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ગુજરાતી, વિજ્ઞાન, પર્યાવરણ, ભૂગોળ સહિત વિવિધ વિષયોના પુસ્તકો બાલવાટિકાથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે છપાવે છે. સમિતિની બેઠક દરમિયાન મેં આ મુદ્દે પ્રશ્ન પૂછ્યો હતો. શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા. મને લેખિતમાં જે જવાબ આપવામાં આવ્યો તેમાં જણાવાયું હતું કે માધ્યમિક શાળાનાં પુસ્તકો હજુ સુધી આવ્યા નહોતાં. જોકે, મૌખિક રીતે એવું કહેવામાં આવ્યું કે આજે જ માધ્યમિક શાળાનાં પુસ્તકો આવ્યા છે. શાળાઓ ખુલ્યાને લગભગ એક મહિનો થવા આવ્યો હોવા છતાં વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચ્યાં નથી, તે ચિંતાજનક બાબત છે. મેં વધુમાં શિક્ષણ વિભાગના અધિકારીઓને પૂછ્યું કે બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2નાં પુસ્તકો આવ્યા છે કે નહીં? ત્યારે અધિકારીશ્રીએ જવાબ આપ્યો કે તે પુસ્તકો પણ હજુ આવ્યા નથી. સરકાર એક તરફ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને શાળા પ્રવેશોત્સવ ઉજવે છે. ગાંધીનગરથી મોટા અધિકારીઓ ગામડાંઓમાં જઈને પોતાના હસ્તે શાળા પ્રવેશોત્સવ કરાવે છે અને વિદ્યાર્થીઓને શાળામાં દાખલ કરવાના કાર્યક્રમો યોજે છે. પરંતુ જ્યારે વિદ્યાર્થી શાળામાં જાય છે ત્યારે તેમના માટે જરૂરી પુસ્તકો જ ઉપલબ્ધ નથી, તો તેઓ ભણશે શું? ગુજરાતભરમાં 8 જૂનથી વેકેશન પૂર્ણ થઈ શાળાઓ શરૂ થઈ ગઈ છે અને આજે 20 જૂન થઈ ગઈ છે. શિક્ષકો શાળામાં હાજર છે, વિદ્યાર્થીઓ પણ શાળામાં આવે છે, પરંતુ પુસ્તકો વિના અભ્યાસ કેવી રીતે થઈ રહ્યો છે? વિદ્યાર્થીઓ કયા પુસ્તકથી ભણે છે અને શિક્ષકો કયા પુસ્તકના આધારે ભણાવે છે? આ બાબતની ચિંતા સરકારને કેમ નથી, તે મોટો પ્રશ્ન છે. જો તમને શાળા પ્રવેશોત્સવ કરાવવો જ હોય, તો સૌપ્રથમ વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચાડવાનો “પુસ્તક પ્રવેશોત્સવ” કરાવો. મારી રજૂઆત એ છે કે એક તરફ સરકાર શાળા પ્રવેશોત્સવ ઉજવે છે, પરંતુ બીજી તરફ બાલવાટિકા સહિતના વિદ્યાર્થીઓ માટેનાં પુસ્તકો સમયસર ઉપલબ્ધ નથી.
’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતુ કે સરકાર જ્યારે પુસ્તકો તૈયાર કરે છે, ત્યારે બાલવાટિકાના પુસ્તકોમાં તે વયને અનુરૂપ સાહિત્ય હોય છે, ધોરણ 1 માટે અલગ અને ધોરણ 2 માટે અલગ અભ્યાસક્રમ હોય છે. પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ પાસે પુસ્તકો જ નથી, ત્યારે માત્ર પ્રવેશ કરાવવાથી શું ફાયદો? વિદ્યાર્થીઓને શાળામાં દાખલ તો કરી દેવાય, પરંતુ અભ્યાસ માટે જરૂરી સામગ્રી જ ન હોય તો તેઓ ભણશે કેવી રીતે? આ સમગ્ર બાબતમાં કોઈ ગંભીરતા દેખાતી નથી. સરકારી તંત્રમાં બધું લોલમલોલ ચાલી રહ્યું હોય એવું લાગે છે. એક તરફ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ મૂળભૂત જરૂરિયાત એવા પાઠ્યપુસ્તકો જ વિદ્યાર્થીઓ સુધી પહોંચતા નથી. મારી સરકારને વિનંતી છે કે પહેલાં “પુસ્તક પ્રવેશોત્સવ” યોજો. પહેલાં પુસ્તકો શાળાઓમાં પહોંચાડો અને ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવો. હું મારા ગુજરાતના વડીલો, યુવાનો અને માતા-પિતાને પણ કહેવા માગું છું કે હવે પ્રશ્ન પૂછવાનું શીખો. આપણા બાળકોના ભવિષ્ય માટે તો અવાજ ઉઠાવો. દેશ કે રાજ્ય માટે ન બોલો તો પણ પોતાના સંતાનોના હિત માટે ચાર પ્રશ્નો જરૂર પૂછો. શાળા પ્રવેશોત્સવમાં આવતા અધિકારીઓને પૂછો કે જ્યારે વિદ્યાર્થીઓ માટે પુસ્તકો જ ઉપલબ્ધ નથી, ત્યારે શાળામાં પ્રવેશ કરાવવાનો અર્થ શું છે? સરકારી શિક્ષકો કદાચ નોકરીની મર્યાદાઓને કારણે ખુલ્લેઆમ પ્રશ્નો ન પૂછતા હોય, પરંતુ ગામના આગેવાનો, વાલીઓ અને એસએમસી (સ્કૂલ મેનેજમેન્ટ કમિટી)ના સભ્યોએ તો આ પ્રશ્ન ઉઠાવવો જોઈએ કે પુસ્તકો વિના બાળકોને ભણાવવામાં કેવી રીતે આવશે? વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે આ પ્રકારની બેદરકારી કેમ રાખવામાં આવે છે, તેનો જવાબ જવાબદાર તંત્ર પાસે માંગવો જોઈએ. જે સુવિધાઓ સરકારી શાળાઓને મળવી જોઈએ, તે પણ સમયસર મળતી નથી. વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તકો મળતાં નથી. તેથી શાળા પ્રવેશોત્સવમાં તમારા ગામમાં આવતા મોટા અધિકારીઓને ડર્યા વગર, શરમાયા વગર અને નિર્ભયતાથી પ્રશ્ન પૂછો. શિક્ષણના હિતમાં પ્રશ્ન પૂછવો જરૂરી છે, કારણ કે શિક્ષણ જ રાષ્ટ્ર નિર્માણનો પાયો છે. અધિકારીઓને પૂછો કે અમારા ગામની સરકારી શાળામાં પૂરતાં પાઠ્યપુસ્તકો કેમ પહોંચ્યા નથી? તેનો હિસાબ આપો. ત્યારબાદ જ પ્રવેશોત્સવની વાત કરો. નહીંતર પ્રવેશોત્સવ માત્ર દેખાવ પૂરતો કાર્યક્રમ બની રહે છે.
જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકમાં મેં એક પ્રશ્ન પૂછ્યો હતો. ગુજરાત સરકાર ‘બેગ વગરના ભણતર’ની વાત કરે છે. હવે એવું લાગે છે કે કેટલાક અધિકારીઓએ મળીને ‘પુસ્તક વગરનું ભણતર’ શરૂ કરી દીધું છે. એક મહિના કરતાં વધુ સમયથી શાળાઓ ચાલુ થઈ ગઈ છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ પાસે હજુ પુસ્તકો નથી. જો પુસ્તકો જ ન હોય તો ભણતર કેવી રીતે શક્ય બને? પુસ્તકો હશે તો જ થેલામાં વજન લાગશે. આ પ્રકારની કાર્યશૈલીથી શિક્ષણ વ્યવસ્થાને શું ફાયદો થવાનો? વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ જિલ્લાના વાલીઓ, યુવાનો અને આગેવાનોને મારી ખાસ વિનંતી છે કે શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગાંધીનગરથી કે જિલ્લા સ્તરેથી આવતા અધિકારીઓને સવાલો પૂછો. પૂછો કે શાળામાં કેટલાં વર્ગખંડોની અછત છે? કેટલાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે? કેટલાં કોમ્પ્યુટરોની જરૂર છે? દીકરીઓ માટે પૂરતી શૌચાલયની વ્યવસ્થા છે કે નહીં? શાળામાં રમતગમત માટે મેદાન છે કે નહીં? કેમ્પસની સ્થિતિ કેવી છે? વરસાદ આવે ત્યારે છતમાંથી પાણી કેમ ટપકે છે? મૂળભૂત સુવિધાઓ હજુ સુધી કેમ ઉપલબ્ધ નથી? પ્રવેશોત્સવ માટે મોટા મોટા અધિકારીઓ આવે છે, તો તેમને જવાબદાર બનાવો. મારા મતે આગામી 23, 24 અને 25 જૂન દરમિયાન યોજાનારા શાળા પ્રવેશોત્સવને સાચા અર્થમાં રાષ્ટ્રસેવાનું મંચ બનાવવું જોઈએ. જો દેશસેવા કરવી હોય, તો પ્રશ્ન પૂછો. તમારા ગામની સરકારી શાળાની સ્થિતિ સુધરે તે માટે અવાજ ઉઠાવો. મારા તમામ યુવાનો, વાલીઓ અને જાગૃત નાગરિકોને વિનંતી છે કે તેઓ પોતાના બાળકોના ભવિષ્ય માટે આગળ આવે, પ્રશ્નો પૂછે અને શિક્ષણ વ્યવસ્થાને વધુ જવાબદાર બનાવે.
https://www.facebook.com/share/v/1Gv6fxFWPB/



