
રૂ. ૨૫.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યાે પાલનપુરના લડબી નાળા પાસેથી ૧૯.૮૦ લાખના મોર્ફિન ડ્રગ્સ સાથે ૪ પકડાયા રાસાયણિક પૃથ્થકરણ કરતાં પાવડરમાંથ્ મોર્ફિન તેમજ હેરોઇનના વ્યુત્પનોની હાજરી મળતાં પોલીસે ગુનો નોંધ્યો
પાલનપુર SOG ટીમે પેટ્રોલિંગ દરમિયાન પાલનપુરથી ડીસા હાઇવે તરફ લડબી નાળા પાસેથી કારમાં મોર્ફિન ડ્રગ્સ લઇ જતા અમદાવાદના ૪ જણાને ઝડપી તેમની પાસેથી રૂ.૧૯.૮૦ની કિંમતનો ૧૯૮ ગ્રામ મોર્ફિન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એસઓજીએ ડ્રગ્સ અને કાર સહિત રૂ. ૨૫,૩૫,૨૦૩નો મુદ્દામાલ જપ્ત કરી ચારેય જણાની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.પાલનપુર SOG ના પી.એસ.આઇ. કે.એ. કોડિયાતર, સ્ટાફના માણસો સાથે લડબી નાળા પાસે પૂલના છેડે ડીસા તરફથી આવતા વાહનોની ચેકિંગની કામગીરીમાં હતા. તે દરમિયાન ડીસા તરફથી અર્ટીગા કાર આવતાં તેને રોકાવી ચેક કરતાં તેમાં બેઠેલા ચાર જણામાંથી એકની હિલચાલ શંકાસ્પદ લાગી હતી. આથી તેને નીચે ઉતારી અંગઝડતી લેતાં તેને પેહેરેલી નાઇટીના ખિસ્સામાં પ્લાસ્ટિકના ઝભલામાં વિંટાળેલો પાવડર જેવો પદાર્થ મળી આવ્યો હતો. આ બાબતે તેની પુછપરછ કરતાં આ પદાર્થ સ્મેક હોવાનું જણાવ્યું હતું. જેથી SOG ટીમે ચારેય જણાને કોર્ડન કરી મળી આવેલા પાવડર બાબતે એફ.એસ.એલ. અધિકારીને બોલાવી રાસાયણિક પૃથ્થકરણ કરતાં તેમાંથી મોર્ફિન તેમજ હેરોઇનના વ્યુત્પનોની હાજરી જણાઈ હતી. આથી એસઓજીએ મળી આવેલા મોર્ફિન ડ્રગ્સ ૧૯૮ ગ્રામ રૂ. ૧૯,૮૦,૦૦૦, ગાડી કિં. રૂ. ૫ લાખ, ૫ મોબાઇલ રૂ. ૪૫૦૦૦ તેમજ રોકડ રૂ.૧૦,૨૦૩ મળી કુલ રૂ. ૨૫,૩૫,૨૦૩નો મુદ્દામાલ જપ્ત કરી દિલીપભાઇ કિશોરભાઇ શર્મા (નિકોલ, અમદાવાદ), વિકીભાઇ પ્રવીણભાઇ દંતાણી (બાપુનગર, અમદાવાદ), પ્રવીણભાઇ મુકેશભાઇ જમણેશા (રબારી કોલોની, અમદાવાદ) તથા દીપકકુમાર દોલતભાઇ વાળંદ (બાપુનગર, અમદાવાદ)ની અટકાયત કરી ચારેય જણા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.




