Lok Sabha Election 2024: ગાંધીનગર ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થઇ રહ્યુ છે. આજે ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી 25 બેઠકોનું પરિણામ જાહેર થશે. ગુજરાતની 25 બેઠક ઉપરાંત વિધાનસભાની પાંચ બેઠકો સહિતનું પરિણામ જાહેર થશે. ત્યારે આજે બપોરે 12.30 કલાક સુધીમાં કેટલીક મોટી અપડેટ આવી છે તે જોઇએ,
અમિત શાહે ગાંધીનગરમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. અત્યાર સુધીના વલણમાં શાહ 6 લાખથી વધુ મતથી આગળ છે. 2019માં તેમને 5.57 લાખની લીડ મળી હતી.
અત્યાર સુધીમાં હાલના વલણોમાં ભાજપ નેતાઓની આગેકૂચ છે. અમિત શાહ ઉપરાંત મનસુખ માંડવિયા, રૂપાલા સહિતના 8 નેતાઓ જંગી લીડથી આગળ વધી રહ્યા છે.
ગુજરાતમાં જ્યારે તમામ બેઠકો પર જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે ત્યારે દીવ દમણમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત નક્કી થઇ ગઇ છે. અપક્ષ ઉમેદવારને 34 હજારથી વધારેના મત મળ્યા છે.
ગુજરાતમાં કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોર ભાજપને કાંટે કી ટક્કર આપી રહી છે. આ બંને બેઠક પર કોંગ્રેસ હાલ આગળ ચાલી રહ્યા છે.
લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતની ખાલી પડેલી પાંચ વિધાનસભા પેટાચૂંટણી પરના પરિણામો પર પણ આજે નજર રહેશે. હાલ શરૂઆતના વલણોમાં પાંચ વિધાનસભા પેટાચૂંટણીમાં વિજાપુર, માણાવદર, પોરબંદર, ખંભાત અને વાધોડિયા પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.
ગુજરાતમાં ભાજપે ચૂંટણી પહેલા જ એક જીત નોંધાવી દીધી છે. ત્યારે ગુજરાતની 23 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ત્યારે ગાંધીનગરના કમલમ ખાતે ભાજપના કાર્યકર્તાઓનો ઉત્સાહ દેખાઇ રહ્યો છે.