
હાલમાં સમગ્ર ગુજરાતમાં થયેલા માવઠા મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને જાણીતા ખેડૂત નેતા સાગર રબારીએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં માવઠું થયું અને ઘણી જગ્યાએ કરા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે આંબાના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે, તો મધ્ય ગુજરાતમાં કેળાના પાકની સાથે સાથે પૂર્વ પટ્ટીના વિસ્તારમાં અને સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં મકાઈના ઉભા પાકને પણ ખૂબ જ નુકસાન થયું છે. આ સિવાય ઘઉં અને ચણાને પણ નુકસાન થયું છે. તો મોટાભાગે જે શિયાળુ પાક લેવાની અવસ્થામાં આવી ગયા હતા એમને ખૂબ જ નુકસાન થયું છે. સાથે સાથે બાગાયતી પાકમાં આંબા અને કેળને વધારે નુકસાન થયું છે. બીજી બાજુ ગુજરાત સરકારના ભ્રષ્ટાચારના કારણે અથવા ભાજપના ભ્રષ્ટાચારને કારણે પાક વીમા યોજના સદંતર નાબૂદ થઈ ગઈ છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માત્ર જાહેરાત પૂરતી રહી અને એ ક્યારેય અમલમાં આવી નથી. એક બાજુ કુદરતી હોનારતોનો માર વધતો જાય છે અને બીજી બાજુ ભાજપના પાપે ગુજરાતના ખેડૂતો પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ કહ્યું હતું કે, સરકાર સમક્ષ અમારી માંગણી છે કે હાલમાં થયેલા માવઠાથી ગુજરાતના ખેડૂતોને જે નુકસાન થયું છે તેમનો સર્વે કરીને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને જાહેર કર્યાને પાંચ વર્ષ થયા છે, મોંઘવારી વધી છે, તો ફુગાવાનો દર ધ્યાનમાં લો અને એ પ્રમાણે તેને રિવાઇઝ કરીને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવો. બદલાતા પર્યાવરણ અને ખૂબ જ વિશાળ દરિયાકાંઠો હોવાના કારણે ભવિષ્યમાં કમોસમી વરસાદના પ્રસંગો વધવાના છે. અત્યારે વળતર ચુકવવાની સાથે સાથે ગુજરાત સરકાર ખેડૂતો માટે કાયમી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પર્યાવરણીય અસરોને સાંકળી લેતી પાક વીમા યોજના તૈયાર કરે. કાં તો ગુજરાત સરકાર પોતાની કંપની બનાવીને અથવા તો ભારત સરકારની જે કંપનીઓ છે એમની મારફતે ચલાવે. ખેડૂતોની અગાઉની સારી યોજનામાં ભ્રષ્ટાચારના પાપના કારણે શોષણ થયું અને ખેડૂતોને ન લાભ થયો, ન યોજના મળી એવી પરિસ્થિતિમાંથી બહાર કાઢીને ખેડૂતોને એક સારું સુરક્ષા કવચ આપવામાં આવે એવી અમારી માંગ છે.




