
ફલાવર શો ૨૯ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો.કાંકરિયામાં ૩.૫૪ કરોડના ખર્ચે આવશે નવી અટલ ટોય ટ્રેન.બેઠકમાં ટ્રાફિક સમસ્યાના નિવારણથી લઈને મનોરંજનના સાધનો સુધીના અનેક દરખાસ્તો પર મહોર મારવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ અને સુવિધાને લઈને અનેક મહત્વના ર્નિણયો લેવામાં આવ્યા છે. જેમાં કાંકરિયાની લોકપ્રિય ટોય ટ્રેનથી લઈને ટ્રાફિક અને દબાણ હટાવવા સુધીના મુદ્દાઓ પર મહોર મારવામાં આવી છે.
કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને બાળકો માટે ખુશીના સમાચાર છે. AMC દ્વારા ૩.૫૪ કરોડ રૂપિયાના ખર્ચે બે નવી ટોય ટ્રેન ખરીદવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ બનેલી હશે અને ડીઝલ એન્જિન ધરાવતી હશે. સાથે જ એકસાથે ૧૫૦ મુસાફરો અને બાળકો સવારી કરી શકશે. જ્યારે જૂની ટ્રેન ૨૮.૭૦ લાખ રૂપિયાની કિંમતે પરત આપવામાં આવશે. આગામી છ મહિનામાં આ નવી ટ્રેન પાટા પર દોડતી જાેવા મળશે.
સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલી રહેલા ફલાવર શોએ લોકપ્રિયતાના તમામ રેકોર્ડ તોડી દીધા છે. માત્ર ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના બે દિવસમાં જ AMC ને ૧.૬૦ કરોડ રૂપિયાની આવક થઈ છે. ૧૪ જાન્યુઆરીએ ૭૮,૦૦૦ લોકોએ મુલાકાત લીધી હતી, તેમાંથી AMC ને ૯૦ લાખ આવક થઈ છે અને ૧૫ જાન્યુઆરીએ ૭૩,૦૦૦ લોકોએ મુલાકાત લીધી હતી, તેમાંથી AMC ને ૭૦ લાખ આવકની થઈ હતી. ૧ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૬ લાખ લોકોએ ફલાવર શો નિહાળ્યો છે, જેનાથી કોર્પોરેશનને ૬ કરોડ રૂપિયાની કમાણી થઈ છે. જનતાના ભારે ઉત્સાહને જાેતા ફલાવર શો હવે ૨૯ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અગાઉની છેલ્લી તારીખ ૨૨ જાન્યુઆરી સુધી ફલાવર શો ચાલવાનો હતો.
શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા AMC એ કોમર્શિયલ એકમો માટે કડક આદેશ આપ્યા છે. હવેથી કોમર્શિયલ બિલ્ડીંગમાં આવતા મુલાકાતીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા ફરજિયાત કરવાની રહેશે. જાે મુલાકાતીઓના વાહનો બિલ્ડીંગની બહાર રોડ પર પાર્ક થયેલા જણાશે, તો તે કોમર્શિયલ એકમને સીલ કરવામાં આવશે.
ભદ્ર પ્લાઝાની જેમ હવે જમાલપુર સ્થિત સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર આસપાસના વિસ્તારને પણ દબાણમુક્ત કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીએ એસ્ટેટ વિભાગને આદેશ આપ્યા છે કે મંદિરની બહાર ઉભા રહેતા લારી-ગલ્લાના દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે અને ફરીથી દબાણ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે.




