
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આપણને વિચાર કરતા કરી મૂકે એવા કિસ્સાઓ જ્યારે આપણે સાંભળીએ કે જોઈએ ત્યારે બે ઘડી આશ્ચર્યમાં મુકાઈને એને ઈશ્વરીય ચમત્કાર માનીએ છીએ. એવો જ એક કિસ્સો છે ઉત્તર પ્રદેશના બરેલીનો જ્યાં એક હોસ્પિટલમાં બ્રેઇન-ડેડ જાહેર કરાયેલા વિનીતા શુક્લા નામની મહિલા દર્દી ને એમ્બ્યુલન્સ ને લાગેલા એક ઝટકાએ નવજીવન બક્ષ્યુ હતું.
આ અંગેની વિગત એ છે કે ૨૨ મી ફેબ્રુઆરીએ વિનીતાબહેન એમના ધરમા જ અચાનક બેહોશ થઈ ગયા હતા. તરત જ તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયા ત્યાં તેમને બરેલીની મોટી હોસ્પિટલમાં લઈ જવાનું કહેવાયુ. બે દિવસ માટે તેમને ત્યાં વેન્ટિલેટર પર રાખ્યા અને પછી ડોક્ટરોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કરી દીધા. કેમકે તેમના શરીરમાં કોઈ હલચલ નહોતી થઈ રહી. ડોક્ટરે કહ્યું કે વેન્ટિલેટર પરથી હટાવતા જ તેમનું મૃત્યુ થઈ જશે. એ પછી પણ પરિવારજનો એ તેમને ઘરે લઈ જવાનું નક્કી કર્યું. ૨૪ ફેબ્રુઆરીએ એમ્બ્યુલન્સ લઈને તેમને ઘરે લાવી રહ્યા હતા અને ઘરમાં માતમ નો માહોલ હતો. અંતિમ સંસ્કારની તૈયારીઓ થઈ ચૂકી હતી. જો કે ઘરે પહોંચતા પહેલા જ રોડ પર ખાડા ને કારણે જોરદાર ઝાટકો લાગ્યો. આમ તો ખરેખર ખાડા જીવ લેતા હોય છે પરંતુ આ ખાડાના ઝાટકાએ વિનિતાબહેનના શરીરના ફરીથી શ્વાસ ચાલતા કરી દીધા. શરીરમાં હલચલ થતી જોઈને તરત જ તેમને ફરીથી નજીકમાં આવેલી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવાયા.
પ્રાઇવેટ હોસ્પિટલના નિષ્ણાંતોને લાગ્યું કે કદાચ દર્દીને સાપ કરડયો છે એટલે તેમણે એન્ટિ-વેનમ ઇન્જેક્શન આપ્યું હતું. એ પછી લગભગ ૧૩ દિવસ સારવાર ચાલી અને હવે વિનિતા શુક્લા એકદમ સ્વસ્થ થઈ ચૂક્યા છે.




