
મધરાતે ૧૫૦ સ્થળોએ નાકાબંધી અમદાવાદ શહેરમાં ગુંડા તત્ત્વો સામે મોડી રાત્રે પોલીસનો મેગા કોમ્બિંગ સિંધુ ભવન રોડ, એસ.જી. હાઈવે, સી.જી. રોડ, એસ.પી. રિંગ રોડ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે
શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તેમજ ગુંડા તત્ત્વો પર અંકુશ લાવવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ખાસ એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. તેના ભાગરૂપે શહેરના ૪૯ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એવી ૧૫૦ જગ્યાઓની ઓળખ કરવામાં આવી છે, જ્યાં મોડી રાત્રે ટોળાં એકત્ર થતાં હોવાની માહિતી મળી છે. આ તમામ સ્થળોએ દરરોજ રાત્રે ૧૨ વાગ્યાથી ૨ વાગ્યા સુધી ખાસ પોલીસ નાકાબંધી કરવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશનમાંથી પાંચ પોલીસ વાહનો સાથે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.આ કામગીરી દરમિયાન દારૂના નશામાં જાહેરમાં હંગામો મચાવનાર, હથિયાર સાથે ફરતા શખ્સો, બાઇક રેસિંગ અને સ્ટંટ કરનારા નબીરાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત પોલીસ કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ વિવિધ સ્થળોએ ઓચિંતી મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરશે.સિંધુ ભવન રોડ, એસ.જી. હાઈવે, સી.જી. રોડ, એસ.પી. રિંગ રોડ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસનું કહેવું છે કે કાયદાનો ભંગ કરનાર અને શાંતિમાં વિક્ષેપ ઊભો કરનાર કોઈપણ અસામાજિક તત્ત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.દરમ્યાનમાં અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા અને ગુનેગારોની વિગતો એકત્રિત કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં બુધવારે રાત્રે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં આખી ક્રાઇમ બ્રાંચના ૨૦૦થી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જાેડાયા હતા. લગભગ આખી રાત ચાલેલા કોમ્બિંગ દરમિયાન ડ્રગ્સ પેડલરો, અસામાજિક તત્ત્વો, બૂટલેગરો, હિસ્ટ્રીશીટરો તેમજ માથાભારે તત્ત્વોને ધ્યાનમાં રાખીને પોલીસે સઘન તપાસ અને ચેકિંગ કર્યું હતું. પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી, તેમના દસ્તાવેજાેની ચકાસણી કરી અને વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન વિવિધ ગુનાઇત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ૨૫ ગુનેગારો સામે અલગ-અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુનાખોરી પર અંકુશ લાવવા માટે આવા કોમ્બિંગ અને સઘન ચેકિંગ અભિયાન આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.




