
મંદિર વર્ષમાં માત્ર હોળીએ ખૂલે છે અમદાવાદનું અઢીસો વર્ષ જૂનું ભાભા રાણાનું મંદિર સવારથી જ ભક્તોની ભારે ભીડ જાેવા મળી : અહીં ભક્તો પોતાના નાના બાળકને દર્શન માટે લઈને આવ્યા.
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલું ચમત્કારી મંદિરમાં વર્ષમાં માત્ર બે જ દિવસ ભક્તો માટે ખુલ્લું રહે છે. આ છે ભાભા રાણાનું મંદિર. અહીં સંતાન પ્રાપ્તિ અને જેમના લગ્ન ના થતા હોય તેઓ માનતા લઈ દર્શન માટે આવે છે. હોળી-ધૂળેટી બાદ આ મંદિરના દરવાજા બંધ કરી દેવાય છે. અમદાવાદના ભાભા રાણાના મંદિરે વહેલી સવારથી જ આજે ભક્તોની ભારે ભીડ જાેવા મળી. અહીં ભક્તો પોતાના નાના બાળકને દર્શન માટે લઈને આવ્યા છે. મંદિરના સંચાલકોના જણાવ્યા મુજબ, આ એ જ ભક્તો છે કે જેવો ગત વર્ષે હોળીના દિવસે મંદિરે આવી ભાભા રાણા પાસે સંતાન પ્રાપ્તિની માનતા માનીને ગયા હતા. આ વર્ષે તેમની માનતા પૂરી થઈ અને તેઓ પોતાના બાળક સાથે ભાભા રાણાના દર્શન માટે મંદિરે આવ્યા છે.

અઢીસો વર્ષ જૂનું આ મંદિર ગોમતીપુર વિસ્તારમાં ખૂબ પ્રચલિત છે. અહીં ભાભા રાણાની મૂર્તિ કાચી માટીમાંથી બનાવવામાં આવે છે. હોળીના એક દિવસ પહેલા જ કાચી માટીમાંથી ભાભા રાણાની મૂર્તિ બનાવવામાં આવે છે. હોળી અને ધૂળેટી એમ બે દિવસ તેમની પૂજા કરવામાં આવે છે. વર્ષમાં માત્ર બે જ દિવસ ભક્તો આ મંદિરે પહોંચી માનતા માને છે. માનતા પૂરી થઈ ગયા બાદ બીજા વર્ષે તેઓ ચાંદીના ઘોડિયા અર્પણ કરવા આવે છે. બે દિવસ બાદ મૂર્તિ વિસર્જિત કરવામાં આવે છે.
આ બે દિવસોમાં ભાભા રાણાની શોભાયાત્રા પણ નીકળે છે. હોળીના આખો દિવસ અહી પૂજા ચાલે છે. હોળી-ધૂળેટીના બે દિવસ લોકો માનતા પૂરી કરવા આવે છે. એવું કહેવાય છે કે, જે લોકોને સંતાન ન થતા હોય તેઓ ભાભા રાણાની માનતા માને છે. બાધા પૂરી થયા બાદ તેઓ અહીં આવીને પારણું બંધાવે છે. તેમજ તેમના બાળકોને શારીરિક ખોડખાંપણ કે બીમારી હોય, તેઓ અહી ચાંદીના પગ ચઢાવે છે.
હવે વાત કરીએ કોણ હતા ભાભા રાણા એ વિશે. લોકવાયકા મુજબ, ભાભા રાણા એક કણબી ખેડૂત હતા. શામળ ભટ્ટની સિંહાસન બત્રીસી વાર્તામાં ભાભારાણાનો ઉલ્લેખ જાેવા મળે છે. તેઓ લગભગ ૪૦૦ વર્ષ પહેલા વિક્રમ રાજાના સમયમાં ભગવાન થઇ ગયા હોવાનું કહેવામાં આવે છે. જૂની લોકવાયકાઓમાં ભાભા રાણા વાંઝિયાપણું અને બાળકોની ખોડખાંપણ દૂર કરતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેથી જ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલ મંદિરમાં પણ પ્રથા ચાલતી આવે છે.




