
બાળકોના શિક્ષણ માટે પુરસ્કાર કર્યો સમર્પિત. રજત શર્માએ એક લાખ રૂપિયાના પુરસ્કારને, બાળકોના શિક્ષણ માટે કાર્યરત ઇંડિયા ટીવીના ટ્રસ્ટમાં આપવાની જાહેરાત કરી હતી.મુખ્યમંત્રીએ તેરાપંથી જૈન સમાજના આચાર્ય શ્રમણજીના દર્શન કરી – આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રવિકાઓને વંદન કરી સૌનું દિલ જીતી લીધું હતું. આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ઇન્ડિયા ટીવીના મુખ્ય સંપાદક અને પદ્મભૂષણ રજત શર્માને તેમના સ્વચ્છ, સંયમિત તેમજ સકારાત્મક પત્રકારત્વના યોગદાન માટે ૧૬માં “આચાર્ય તુલસી સન્માન”થી સન્માનિત કરવામાં આવ્યા હતા. રજત શર્માને સન્માન પત્ર, મોમેન્ટો અને એક લાખ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવ્યું હતું. રજત શર્માએ એક લાખ રૂપિયાના પુરસ્કારને, બાળકોના શિક્ષણ માટે કાર્યરત ઇંડિયા ટીવીના ટ્રસ્ટમાં આપવાની જાહેરાત કરી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, ભગવાને રચેલા સૃષ્ટિના નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ક્યારેય સુખી નથી થઈ શકતી. કાર્ય અને કારણ વચ્ચે અવિભાજ્ય સંબંધ હોય છે, કારણ વગર કોઈ કાર્ય થતું નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભગવાન મહાવીર સ્વામીએ સ્થાપેલી જૈન પરંપરામાં અહિંસા એ મુખ્ય આધારશીલા છે. જ્યાં હિંસા છે ત્યાં દુ:ખ છે, અને જ્યાં અહિંસા છે ત્યાં આનંદ જ આનંદ છે. સત્ય, અહિંસા, સંયમ, અપરિગ્રહ અને અસ્તેયને જીવનમાં સ્થાન આપનારા વ્યક્તિ જ સાચા અર્થમાં શાંતિ અને સુખ અનુભવે છે, જ્યારે આ સિદ્ધાંતોને ત્યજી દેવામાં આવે ત્યારે જીવનમાં દુ:ખોનો આરંભ થાય છે. આ દુનિયાના અવિનાશી સિદ્ધાંતો છે. રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે, આપણે આવ્યા એ પહેલા પણ આ દુનિયા હતી અને આપણે ગયા પછી પણ દુનિયા યથાવત્ રહેશે. જે આપણું નથી તેને છોડી દેવું એ જ ઋષિ-મુનિઓની પરંપરા છે. દુનિયામાં કોઈપણ પ્રાણી દુ:ખ ઈચ્છતું નથી, દરેક જીવ માત્ર સુખની ઈચ્છા રાખે છે. પરંતુ અનુકૂળતા અને પ્રતિકૂળતા વચ્ચેના સંઘર્ષથી જ દુ:ખ પેદા થાય છે. અનુકૂળતા સુખનું કારણ છે જ્યારે ઈચ્છા વિરુદ્ધ મળેલું પરિણામ દુ:ખનું કારણ બને છે. આ શાશ્વત સિદ્ધાંતો આપણને ઋષિ-મુનિઓ તથા જૈન સંતોએ આપેલા છે.
તેમણે શાસ્ત્રોક્ત સિદ્ધાંતોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જે કાર્ય કરતા ભય લાગે, જે કાર્ય કરતા લજ્જા અનુભવાય અને જે કાર્ય કરતા શંકા થાય તેવું કાર્ય કરવું ન જાેઈએ. આ જ શાસ્ત્રોનું અમૂલ્ય માર્ગદર્શન છે. આચાર્ય તુલસીએ આવા સિદ્ધાંતોના પ્રચાર-પ્રસાર માટે અવિરત પ્રયત્નો કર્યા હતા અને આજે આચાર્ય મહાશ્રમણજી પણ સમાજહિતનું કાર્ય કરી રહ્યા છે. આ સંતોની પરંપરા એ આપણને વિચારોની અણમોલ પુંજી આપી છે, જેને અપનાવવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે
