Amreli Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ને લઈને મતગણતરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના રાજકારણની મહત્વની ગણાતી એવી બેઠક અમરેલીની વાત કરીએ તો ભાજપના ભરત સુતરિયા અને કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર વચ્ચે જંગ જામ્યો હતો. અમરેલીમાં નવા ઉમેદવાર ભરત સુતરિયા જીત મેળવશે કે કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર કમાલ કરશે તે જાણવું રસપ્રદ બની રહેશે.
અમરેલી લોકસભા બેઠક સૌરાષ્ટ્રની મહત્વની બેઠક માનવામાં આવે છે. છેલ્લા ત્રણ ટર્મથી અમરેલી લોકસભા સીટ પર ભાજપની જીત થતી રહી છે. જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે અમરેલી જિલ્લાની વિધાનસભા બેઠક પર પોતાનું પ્રભુત્વ જમાવ્યુ છે. આ ઉપરાંત અમરેલી લોકસભા બેઠકનો ઇતિહાસ પણ રસપ્રદ છે. રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા અમરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત અમરેલીના પ્રથમ સાંસદ મહિલા હતા. અગામી 2024ના લોકસભા ચૂંટણીમાં અમરેલી બેઠક કોણે ફાળે જાય છે એ જોવાનું રહ્યુ.
જેનીબેન ઠુમ્મર યુવા કોંગ્રેસ નેતા
જેનીબેન ઠુમ્મર અમરેલીના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય રહી ચુકેલા વિરજી ઠુંમ્મરના પુત્રી છે. જેનીબેન ઠુમ્મર યુવા કોંગ્રેસ નેતા છે. હાલ કોંગ્રેસમાં તેઓ સૌરાષ્ટ્ર મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે. જેની ઠુમ્મરે વર્ષ 2015માં અમરેલીના બાબરા તાલુકાની મોટા દેવળિયા બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જેની ઠુમ્મરની કોંગ્રેસ પક્ષના કાર્યકરોમાં લોકચાહના છે. ત્યારે કોંગ્રેસે લેઉવા પાટીદાર ચહેરાને આગળ કર્યો છે.
ભાજપનો નવો ચેહેરો ભરત સુતરીયા
ભરત સુતરીયા હાલ અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ છે. તેઓ લેઉઆ પાટીદાર સમાજના અને લાઠીના બારૈયા ગામના છે. તેઓ વ્યવસાયે ખેડૂત છે અને તેઓ ધોરણ 10 પાસ છે. તેઓ વર્ષ 1991 થી ભાજપ કેડર છે. તેઓ વર્ષ 2009-2011 દરમિયાન પાર્ટીના તાલુકા જનરલ સેક્રેટરી પદે રહ્યા હતા. તેઓ વર્ષ 2010-2015 દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ હતા. ભરત સુતરીયા વર્ષ 2019 બાદ નગરપાલિકા પ્રભારી હતા. અમરેલી લોકસભા બેઠકના વર્તમાન ભાજપના સાંસદ નારણભાઈ કાછડીયા છે.
અમરેલી લોકસભા સીટ પર 50.29 ટકા મતદાન
અમરેલી લોકસભા સી પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. અમરેલીમાં કુલ 50.29 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો અમરેલીમાં 49.05 ટકા, ધારીમાં 46.09 ટકા, ગારીયાધરમાં 47.44 ટકા, લાઠીમાં 50.45 ટકા, મહુઆમાં 58.06 ટકા, રાજુલામાં 52.43 ટકા અને સાવરકુંડલામાં 47.00 ટકા મતદાન નોંધાયું હતું.
અમરેલી લોકસભા બેઠક 2024ના 08 ઉમેદવાર
- ક્રમ ઉમેદવાર પાર્ટી
- 1 રાવજીભાઈ ચૌહાણ, બસપા
- 2 જેની ઠુમ્મર, કોંગ્રેસ
- 3 ભરતભાઈ સુતરિયા, ભાજપ
- 4 વિક્રમભાઈ સંખત , ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી
- 5 પ્રિતેશ ચૌહાણ , અપક્ષ
- 6 પૂંજાભાઈ ડાફડા, અપક્ષ
- 7 બાવકુભાઈ વાળા, અપક્ષ
- 8 ભાવેશભાઈ રંક , અપક્ષ
2019માં શું હતું પરિણામ
2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર નારણ કાછડીયાનો કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે 2,01,431 મતોથી વિજય થયો હતો. નારણ કાછડીયાને 58.19 ટકા અને પરેશ ધાનાણીને 36.03 ટકા વોટ મળ્યા હતા.
લોકસભા ચૂંટણી અમરેલી બેઠક પર ચૂંટાયેલા સાંસદ
- 1957 – જયાબેન શાહ (કોંગ્રેસ)
- 1962 – જયાબેન શાહ (કોંગ્રેસ)
- 1967 – જયાબેન શાહ (કોંગ્રેસ)
- 1971 – જીવરાજ મહેતા (કોંગ્રેસ)
- 1977 – દ્વારકાદાસ પટેલ (કોંગ્રેસ)
- 1980 – નવીનચંદ્ર રાવાની (કોંગ્રેસ)
- 1984 – નવીનચંદ્ર રાવાની (કોંગ્રેસ)
- 1989 – મનુભાઈ કોટડીયા (જનતાદળ)
- 1991 – દિલીપ સંઘાણી (ભાજપ)
- 1996 – દિલીપ સંઘાણી (ભાજપ)
- 1998 – દિલીપ સંઘાણી (ભાજપ)
- 1999 – દિલીપ સંઘાણી (ભાજપ)
- 2004 – વીરજીભાઈ ઠુમ્મર(કોંગ્રેસ)
- 2009 – નારણ કાછડીયા (ભાજપ)
- 2014 – નારણ કાછડીયા (ભાજપ)
- 2019 – નારણ કાછડીયા (ભાજપ)
અમરેલી બેઠક ઇતિહાસ
અમરેલી લોકસભા બેઠક પર વર્ષ 1957થી 2019 સુધીમાં 16 વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં 8 વખત કોંગ્રેસ, 7 વખત ભાજપ અને 1 વખત જનતાદળના ઉમેદવારની જીત થઈ છે. અમરેલી લોકસભા બેઠક પર 1957 થી 1984 દરમિયાન સાત ટર્મ સુધી સતત 27 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું હતું. જોકે 1989માં જનતા દળના મનુભાઈ કોટડિયાએ આ બેઠક જીતી હતી. ત્યારબાદ 1991માં ભાજપે દિલીપ સંઘાણીને મેદાનમાં ઉતાર્યા હતા. તેઓ 1991 થી 1999 સુધી જીતતા રહ્યા. જોકે 2004માં કોંગ્રેસના વિરજી ઠુંમરે બાજી મારી હતી. પરંતુ કોંગ્રેસનું શાસન લાંબા સમય સુધી ન ચાલ્યું. 2009 થી 2019 સુધી ભાજપના નારણ કાછડિયા આ બેઠક પર સતત ત્રણ ટર્મ સુધી જીત્યા હતા. જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં તેમની ટિકિટ કાપવામાં આવી છે.