
તસ્કરો સોના-ચાંદીના દાગીના તથા દાન પેટીમાંથી રકમ ચોરી ગયા.પ્રાંતિજના દલાની મુવાડી ગામના મંદિરમાંથી ૬.૪૦ લાખ મત્તાની ચોરી.ચોરી થવા અંગે આનંદભાઈએ પ્રાંતિજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી ગામના ગોગા મહારાજના મંદિરમાં રાત્રિના સમયે આવેલા તસ્કરોએ મંદિરમાં ગેરકાયદે પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના તથા દાન-પેટીમાંથી રોકડ મળી અંદાજે રૂ. ૬,૪૦,પ૦૦ની મત્તાની ચોરી કરી નાસી ગયા હતા. આ અંગે મંગળવારે પ્રાંતિજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી ગામે ગોગા મહારાજનું મંદિર આવેલું છે.
ગત તા. રર ડિસેમ્બરની રાત્રે ચોરીના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સોએ ગોગા મહારાજ મંદિરના દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કર્યાે હતો. આ અજાણ્યા શખ્સોએ મંદિરમાં દાન-ભેટ તરીકે ભક્તોએ ચઢાવેલા અડધા તોલા સોનાના તથા દોઢ કિલો ચાંદીના નાગ ઉપરાંત અન્ય નાના-મોટા પાંચ ચાંદીના નાગ, પાંચ ચાંદીના છત્ર, ચાંદીના દીવડા, આરતી મળી અંદાજે રૂ. પ,૬ર,પ૦૦ની મત્તા ચોરી કરી લઈ ગયા હતા.એટલું જ નહી પણ આ અજાણ્યા શખ્સોએ ગર્ભગૃહમાં સિંહાસન પાસે મૂકેલી દાન-પેટીમાંથી રૂ. ર૧ હજાર રોકડા અને રૂ.૭ હજારનું સીસીટીવી કેમેરાનું રીસીવર મળી અંદાજે રૂ. ૬,૪૦,પ૦૦ની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે બીજા દિવસે ગ્રામજનોને ખબર પડતાં ગોગા મહારાજના મંદિરમાં તપાસ કર્યા બાદ આનંદભાઈ દેસાઈએ મંગળવારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




