
ડાંગ જિલ્લાના ખેડૂતો માટે મોટા સમાચાર.ખેતીવાડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી શરૂ.સોલાર યુનિટ, ગોડાઉન અને સાધનો માટે ઓનલાઇન અરજી કરી શકાશ.ડાંગ જિલ્લાના ખેડૂતોને આધુનિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા અને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આગામી ૨૭ માર્ચથી ૨૬ એપ્રિલ ૨૦૨૬ સુધી I-Khedut પોર્ટલ ખુલ્લું મુકવામાં આવશે.
ડાંગ જિલ્લા ખેતીવાડી અધિકારી બાલુભાઈ પટેલના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે કુલ ૪૨ જેટલા ખેતીવાડીના ઘટકો માટે સહાય યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેમાં ખેડૂતો ઘણા સાધનો અને સુવિધાઓ માટે અરજી કરી શકશે. ખેતીના સાધનો: કમ્બાઈન હાર્વેસ્ટર, રોટાવેટર, કલ્ટીવેટર, પાવર ટીલર, સબસોઈલર વગેરે. પાયાની સુવિધાઓ: ખેત તલાવડી, ગોડાઉન (ખેત સંગ્રહ સંરચના), તારની વાડ અને પમ્પસેટ. આધુનિક ટેકનોલોજી: સોલાર પાવર યુનિટ, સ્માર્ટફોન સહાય અને માલ વાહક વાહન. આધાર ઓથેન્ટિકેશન ફરજિયાતઆ વખતે અરજી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. ખેડૂતોએ પોર્ટલ પર અરજી કરતી વખતે OTP અથવા બાયોમેટ્રિક દ્વારા પોતાની ઓળખની ખરાઈ કરવાની રહેશે. જે ખેડૂતો પાસે આધાર લિંક્ડ મોબાઈલ નંબર હશે, તેઓ ઘરે બેઠા પણ અરજી કરી શકશે.
ડાંગ જિલ્લા ખેતીવાડી અધિકારી બાલુભાઈ પટેલે ડાંગના તમામ ખેડૂતોને વિનંતી કરી છે કે, તેઓ નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઇન અરજી કરી દે. વધુ માહિતી માટે ગ્રામ સેવક, તાલુકા ખેતીવાડી અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરી શકાય છે. ખેડૂતોએ પોતાના જરૂરી દસ્તાવેજાે જેવા કે ૭-૧૨, ૮-અ ના ઉતારા અને બેંક પાસબુક સાથે અરજી કરવાની રહેશે.




