
બાંદ્રા-જુહૂને બદલે મલબાર હિલ પસંદ કર્યું અલીબાગ રહેતા અક્ષય ખન્નાએ મુંબઈમાં ૩૩ કરોડમાં ફલેટ ખરીદ્યો વિનોદ ખન્ના મલબાર હિલમાં જ રહેતા હતા, અક્ષયે આમાં પણ બાકીના સ્ટાર્સથી અલગ ચીલો ચાતર્યાે મુંબઈને બદલે મુંબઈ નજીકનાં અલીબાગમાં જ રહેતા અક્ષય ખન્નાએ દક્ષિણ મુંબઇના વૈભવી વિસ્તાર મલબાર હિલમાં ૩૩.૨૬ કરોડ રૂપિયામાં કુલ ૨૫૧૬ ચોરસ ફૂટનો એરિયા ધરાવતો એપાર્ટમેન્ટ સપ્ટેમ્બર મહિનામાં ખરીદ્યો છે. આ એપાર્ટમેન્ટની સાથે ત્રણ પાર્કિંગ યુનિટનો પણ સમાવેશ થાય છે. અક્ષયના પિતા વિનોદ ખન્ના પણ આજીવન મલબારહિલ વિસ્તારમાં જ રહ્યા હતા.વિનોદ ખન્નાના મોટા પુત્ર અક્ષયખન્નાએ પણ હિન્દી ફિલ્મોમાં એક્ટર તરીકે સફળ કારકિર્દી ઘડી છે. અક્ષય ખન્નાએ આ સંપત્તિ માટે ૧.૯૯ કરોડ રૂપિયા સ્ટેમ્પ ડયુટિ પેટે અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ચાર્જ પેટે ચૂકવ્યા હતા. આ એપાર્ટમેન્ટમાં ૧૭૫ ચોરસ ફૂટની બાલ્કની પણ આવેલી છે.મલબાર હિલ રોડ પર આવેલી આ સંપત્તિ દક્ષિણ મુંબઇમાં મોકાની ગણાય છે. અક્ષય ખન્ના પ્રમાણમાં ખાનગી જીવન શૈલી ધરાવતો હોઇ તેણે ફિલ્મ સ્ટાર્સમાં લોકપ્રિય વિસ્તાર બાન્દ્રાને બદલે મલબારહિલ રોડ પર એપાર્ટમેન્ટ લેવાનું પસંદ કર્યું છે.




