
સીમાંકન મુદ્દે પણ રેડ્ડીએ ઉઠાવ્યા સવાલ રામ અમીરોનો ભગવાન અને મહાદેવ ગરીબોના કોંગ્રેસ CM નિવેદન બાદ હોબાળો દક્ષિણ ભારતમાં લોકો ભગવાન શિવના ભક્ત છે, જ્યારે ઉત્તર ભારતમાં ભગવાન રામની ભક્તિ સાથે રાજકીય જાેડાણ વધુ જાેવા મળે છે
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના ભગવાન રામ અને ભગવાન શિવ અંગે કરેલા નિવેદનથી રાજકીય વિવાદ ઊભો થયો છે. સોમવારે એક મીડિયા કાર્યક્રમ દરમિયાન રેવંત રેડ્ડીએ ઉત્તર અને દક્ષિણ ભારતની રાજકીય તથા ધાર્મિક ઓળખની સરખામણી કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ દ્વારા ‘જય શ્રીરામ’ના નારા અંગે સવાલ ઉઠાવ્યો હતો. રેવંત રેડ્ડીએ કહ્યું કે દક્ષિણ ભારતના લોકો દ્રવિડ છે અને ઉત્તર ભારતના લોકો આર્ય છે. તેમણે દાવો કર્યો કે દક્ષિણ ભારતમાં લોકો ભગવાન શિવના ભક્ત છે, જ્યારે ઉત્તર ભારતમાં ભગવાન રામની ભક્તિ સાથે રાજકીય જાેડાણ વધુ જાેવા મળે છે. આ દરમિયાન તેમણે કહ્યું કે ‘શિવ ગરીબોના ભગવાન છે અને રામ અમીરોના ભગવાન છે.’ જાેકે, તેમણે સાથે એવું પણ કહ્યું કે ભગવાન શિવ અને ભગવાન રામ બંને તેમના દેવતા છે. રેવંત રેડ્ડીએ ભાજપના નેતાઓ દ્વારા ‘જય શ્રીરામ’ના નારા લગાવવામાં આવતા હોવાનો ઉલ્લેખ કરીને સવાલ કર્યો કે તેઓ એ જ રીતે ‘હર હર મહાદેવ’નો નારો કેમ નથી લગાવતા.આ કાર્યક્રમમાં રેવંત રેડ્ડીએ લોકસભા બેઠકોના સીમાંકન મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમનો દાવો છે કે, જાે લોકસભાની બેઠકોનું પુન:વિતરણ મુખ્યત્વે વસ્તીના આધારે કરવામાં આવશે તો દક્ષિણ ભારતનાં રાજ્યોના રાજકીય મહત્વ પર તેની અસર પડી શકે છે. રામ અને શિવની સરખામણીનો સંદર્ભ પણ તેમણે ઉત્તર અને દક્ષિણ ભારતની અલગ રાજકીય તથા સાંસ્કૃતિક ઓળખ સમજાવવા માટે આપ્યો હતો.રેવંત રેડ્ડીના નિવેદન સામે ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય મંત્રી બાંદી સંજય કુમારે આરોપ લગાવ્યો કે રેવંત રેડ્ડી ભગવાન રામ અને ભગવાન શિવ વચ્ચે રાજકીય વિભાજન ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રામ અને શિવને ઉત્તર અને દક્ષિણ અથવા અમીર અને ગરીબના આધારે અલગ કરવા જાેઈએ નહીં. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાશી વિશ્વનાથ મંદિર સાથેના જાેડાણનો ઉલ્લેખ કરતાં રેવંત રેડ્ડીના એ સવાલનો વિરોધ કર્યો કે ભાજપના નેતાઓ ભગવાન શિવનું નામ લેતા નથી. તેમણે તેલંગાણાના વેમુલાવાડા અને ભદ્રાચલમ જેવા ધાર્મિક સ્થળોનો પણ ઉલ્લેખ કર્યો.રેવંત રેડ્ડીના નિવેદન બાદ ઉત્તર-દક્ષિણની રાજકીય ઓળખ, ભગવાન રામ અને ભગવાન શિવની ભક્તિ તથા સીમાંકન જેવા મુદ્દાઓ ફરી ચર્ચામાં આવ્યા છે. એક તરફ રેવંત રેડ્ડીએ પોતાના નિવેદન દ્વારા ઉત્તર અને દક્ષિણ ભારતની રાજકીય સંસ્કૃતિમાં રહેલા તફાવત તરફ ધ્યાન દોર્યું છે, જ્યારે ભાજપે તેમના નિવેદનને ધાર્મિક અને પ્રાદેશિક વિભાજન સાથે જાેડીને વિરોધ કર્યો છે. આ નિવેદનથી બંને પક્ષોના અલગ-અલગ રાજકીય અર્થઘટન સામે આવ્યા છે અને આ મુદ્દે આગામી દિવસોમાં પણ રાજકીય ચર્ચા તેજ થવાની શક્યતા છે.




