
આમ આદમી પાર્ટી પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, સમગ્ર દેશના યુવાનોએ પેપર લીકની ઘટનાઓ સામે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર પર જે આંદોલન શરૂ કર્યું છે, તેનાથી સરકારને કડક સંદેશ મળ્યો છે. આંદોલન દરમિયાન દિલ્હીમાં પોલીસ અને ગુંડાઓ દ્વારા યુવાનો અને દીકરીઓ પર અમાનુષી લાઠીચાર્જ કરવામાં આવ્યો, અનેક લોકોના માથા ફૂટ્યા, છતાં દેશનો યુવાન પોતાની માંગ પર અડગ રહ્યો તે ખૂબ અભિનંદનને પાત્ર છે. દેશભરમાં પેપર લીકનો સૌથી મોટો રેકોર્ડ જો કોઈ રાજ્યમાં બન્યો હોય તો તે ગુજરાત છે. અહી ભાગ્યે જ કોઈ એવી પરીક્ષા હશે જેનું પેપર લીક ન થયું હોય કે જેમાં કૌભાંડ ન થયું હોય.
પ્રવિણ રામે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હી ખાતે ચાલી રહેલી જંતર-મંતરની લડાઈને મજબૂત કરવા અને સમર્થન આપવા માટે હવે ગુજરાતના યુવાનોએ પણ બહાર નીકળવું પડશે. પ્રવીણ રામે યુવાનોને અપીલ કરતા કહ્યું કે, આજે ૨૩મી તારીખે તમામ કોલેજના વિદ્યાર્થીઓ કાળી પટ્ટી પહેરીને વિરોધ દર્શાવે અને આંદોલનનું સમર્થન કરે. આ ઉપરાંત, આવનારી ૨૫મી જુલાઈના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતીક ધરણાં યોજાવાના છે. સૌથી વધુ પીડા ગુજરાતના યુવાનોએ સહન કરી હોવાથી, પોતાની રોજગારી અને ભવિષ્યની સુરક્ષા માટે ‘ચાલો ગાંધીનગર’ના નારા સાથે તમામ યુવાનો ૨૫મીએ ગાંધીનગર પહોંચે.




