
ગુજરાતના ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપતા, આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ સંગઠન અધ્યક્ષ પ્રવીણ રામે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પ્રવીણ રામે જણાવ્યું હતું કે રાજુભાઈ કરપડાના રાજીનામાના સમાચાર સાંભળીને તેઓ વ્યક્તિગત રીતે ખૂબ દુઃખી થયા છે. તેમણે જણાવ્યું કે હડદડ મુકામે તેમણે અને રાજુભાઈએ મળીને ગુજરાતના ખેડૂતો માટે મજબૂત લડત લડી હતી અને ખેડૂતોના હક્ક માટે સશક્ત અવાજ ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાતમાં ખેડૂતોની આ લડત અને ક્રાંતિને દબાવવા માટે ભાજપ સરકારે તેમને, રાજુભાઈને અને અન્ય નિર્દોષ ખેડૂતોને ષડયંત્રપૂર્વક જેલમાં નાખ્યા હતા. લગભગ 108 દિવસ સુધી તેમને ખોટા કેસોમાં જેલમાં રાખવામાં આવ્યા હતા. જેલ દરમિયાન પણ અમને હેરાન કરવાની કોઈ કસર છોડવામાં આવી નહોતી અને સતત દબાણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
AAP નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યું કે તેમને શંકા છે કે ભાજપ સરકારની દબાણની રાજનીતિના કારણે જ રાજુભાઈએ રાજીનામું આપ્યું હોઈ શકે છે. તેમ છતાં, હજી સુધી રાજુભાઈ સાથે સીધી વાતચીત થઈ નથી. તેમણે કહ્યું કે જયારે રાજુભાઈ સાથે વાત થશે અને યોગ્ય કારણ જાણવા પ્રયત્ન કરીશું. કારણ જાણ્યા બાદ સમગ્ર સત્ય ગુજરાતની જનતા સમક્ષ મુકીશું.




