
અમદાવાદના રખિયાલમાં ગણેશ પંડાલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવાની પ્રસ્તુતિ
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં યુવા મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પંડાલમાં ગણેશજીને ડોક્ટરના રૂપમાં દર્શાવીને ગાયનું ઓપરેશન કરતા બતાવવામાં આવ્યા છે. આ પ્રસ્તુતિ દ્વારા સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
આ અંગે વાત કરતા યુવા મિત્ર મંડળના સભ્ય શ્રી મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૨ થી સમગ્ર દેશમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકને નાબૂદ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ થીમ અંતર્ગત એ દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે સ્ટ્રો, ડીશ, કપ અને અન્ય પ્લાસ્ટિકના પેકેટ્સ જેમાં ખાણીપીણીની વસ્તુઓ હોય છે, તે ગાય અને અન્ય પશુઓ આરોગી લે છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ પ્લાસ્ટિક તેમના પેટમાં જમા થતા ધીમે ધીમે પશુનું મૃત્યુ પણ થઈ શકે છે. આથી, આવા અબોલ પશુઓના જીવનની રક્ષા માટે સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો સંદેશ આ પ્રસ્તુતિ દ્વારા આપવામાં આવ્યો છે. સાથે સાથે આ પંડાલમાં સ્વચ્છતા જાળવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે. આ પંડાલ લોકોમાં આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
આ પંડાલ તૈયાર કરવામાં મંડળના યુવાનો દ્વારા છેલ્લા દોઢ મહિનાથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આમ, યુવા મિત્ર મંડળના સભ્યો દ્વારા પર્યાવરણ અને અબોલ પશુઓની સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
