
અમદાવાદના પેલેડિયમ મોલમાં તોડફોડ.અમદાવાદમાં ક્રિસમસની ઉજવણીનો વિરોધ કરાયો.આ હોબાળાને કારણે મોલમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો અને મુલાકાતીઓમાં ભારે અફરાતફરી અને ફફડાટ જાેવા મળ્યો હતો.અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા જાણીતા પેલેડિયમ મોલમાં ક્રિસમસની સજાવટને લઈ મોટો વિવાદ સર્જાયો હતો.
ભગવા સેનાના ૪ થી ૫ કાર્યકર્તાઓ અચાનક મોલમાં ધસી આવ્યા હતા અને ક્રિસમસની ઉજવણીના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ કાર્યકરોએ મોલના પરિસરમાં મુકવામાં આવેલા વિશાળ ક્રિસમસ ટ્રીને હટાવી દીધા હતા અને અન્ય ક્રિસમસ સંબંધિત સજાવટના સાધનોમાં પણ તોડફોડ કરી હતી. અચાનક થયેલા આ હોબાળાને કારણે મોલમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો અને મુલાકાતીઓમાં ભારે અફરાતફરી અને ફફડાટ જાેવા મળ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ મોલના સિક્યુરિટી સ્ટાફ અને મેનેજમેન્ટમાં દોડધામ મચી ગઈ હતી. ભગવા સેનાના કાર્યકરોનો આક્ષેપ હતો કે ભારતીય સંસ્કૃતિમાં વિદેશી તહેવારોનું આ પ્રકારનું પ્રદર્શન યોગ્ય નથી. તોડફોડની આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં કાર્યકરો ક્રિસમસ ટ્રી નીચે પાડતા નજરે પડે છે.
પોલીસે આ મામલે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને મોલની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. તહેવારની મોસમમાં બનેલી આ ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે.




