
ખેડૂતોમાં છવાઈ ખુશીની લહેર.સાવરકુંડલાના મોટા ભમોદરા, શેલના રબારીકા, દેવળીયા, રાજસ્થળી, જેવા ગામોમાં એક કલાકથી વધુ સમય સુધી સતત વરસાદ વરસ્યો.અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોર બાદ મેઘરાજાએ મહેર વરસાવી છે. લાંબા વિરામ બાદ થયેલા આ ધોધમાર વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. આ વરસાદ ખાસ કરીને કપાસ અને મગફળી જેવા પાકો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. સાવરકુંડલાના મોટા ભમોદરા, શેલના રબારીકા, દેવળીયા, રાજસ્થળી, લાપાળીયા અને મોટા ગોખરવાળા જેવા ગામોમાં એક કલાકથી વધુ સમય સુધી સતત વરસાદ વરસ્યો છે.
આ વિસ્તારોના ખેડૂતો જેઓ પાકને બચાવવા માટે ચિંતિત હતા તેમને આ વરસાદથી મોટી રાહત મળી છે. ચોમાસાની સિઝનના અંતમાં થયેલો આ વરસાદ પાકને નવજીવન આપશે. ખાસ કરીને કપાસના પાકને જીવતદાન મળ્યું છે અને મગફળીના પાકને પણ આ વરસાદથી સીધો ફાયદો થશે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના ચહેરા પર આનંદની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી છે. વરસાદની આગાહી ન હોવા છતાં અચાનક થયેલા આ વરસાદે સૌને ચોંકાવ્યા છે.જાેકે આને ચોમાસાની છેલ્લી ઈનિંગ માનવામાં આવે છે. જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું કે અમને આ વરસાદની બહુ જરૂર હતી. પાક સુકાઈ રહ્યો હતો અને હવે આ વરસાદથી પાક સારો થશે અને ઉત્પાદન પણ સારું મળશે. આ વરસાદે ખેતીને સંકટમાંથી ઉગારી લીધી છે અને આગામી દિવસોમાં પાકનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે.
