
સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદ અને હિંસાનું કેન્દ્ર બની.રાજકોટ સિવિલમાં ન્યૂરો સર્જન ડો. પાર્થ પંડ્યા પર દર્દીના પરિવારનો હુમલો.દર્દીના સારવાર મુદ્દે ઉશ્કેરાયેલા પરિવારજનોએ ફરજ પરના તબીબ પર જીવલેણ હુમલો કરતા તબીબી આલમમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યૂરો સર્જરી વિભાગમાં ફરજ બજાવતા ડો. પાર્થ પંડ્યા પર દર્દીના પરિવારે આડેધડ હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે, ઉશ્કેરાયેલા પરિવારજનોએ ડોક્ટરને પછાડી-પછાડીને ઢોર માર માર્યો હતો. હોસ્પિટલના સુરક્ષાકર્મીઓ વચ્ચે પડે તે પહેલા જ હુમલાખોરોએ ડોક્ટરને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હિંસક ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા તબીબી જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પોતાની સુરક્ષાને લઈને ચિંતિત સિવિલના તબીબો હવે હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યા છે.
તબીબોની માંગ છે કે આરોપીઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને હોસ્પિટલમાં ડોક્ટરોની સુરક્ષા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. સરકારી હોસ્પિટલમાં વારંવાર તબીબો પર થતા હુમલાની ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.
જાે તબીબો હડતાળ પર જશે તો ગરીબ દર્દીઓની સારવાર ખોરવાય તેવી શક્યતા છે.




