
મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી જ્ઞાનેશ કુમારની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં ઇલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC – Electoral Literacy Club) અને ECINET એપ પર રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય ચૂંટણી પંચના ફ્લેગશિપ SVEEP કાર્યક્રમ હેઠળ યોજાયેલ આ રિજનલ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં ચૂંટણી સાક્ષરતા વધારવાનો, નૈતિક તથા માહિતીસભર મતદાનને પ્રોત્સાહન આપવાનો, નવીન ડિજિટલ તકનીકો દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો તથા ‘રોલથી પોલ સુધી પારદર્શિતા’ના દ્રષ્ટિકોણને પ્રસારિત કરવાનો હતો.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી સંદીપ સાગળે અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ રિજ્નલ કોન્ફરન્સમાં ચૂંટણી સાક્ષરતા અને તકનીકી નવીનતાઓ પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડતા વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં દેશના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમાર અને અન્ય મહાનુભાવોએ ૧૦૦૦થી વધુ ઈલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC) ના સભ્યો, શાળા-કોલેજોના નોડલ ઓફિસર્સ, કેમ્પસ એમ્બેસેડર્સ, બૂથ લેવલ ઓફિસર્સ (BLO) અને વિવિધ સ્ટેકહોલ્ડર્સ સાથે સીધો સંવાદ સાધીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્ય ચૂંટણી કમિશનરશ્રીએ ચૂંટણી પ્રક્રિયા વિશે યુવા મતદારોના વિવિધ સવાલો સાંભળીને તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારત ૯૦ કરોડથી વધુ મતદારો ધરાવતો વિશ્વનો સૌથી મોટો અને જીવંત લોકશાહી દેશ છે. વિશ્વના અનેક ખંડો અને દેશોના કુલ મતદારોને એકત્ર કરીએ, તો પણ ભારતનો મતદારોનો આંકડો તેનાથી મોટો થાય છે. લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ સાથે ડેપ્યુટેશન પરના કર્મીઓ મળીને કુલ ૧ કરોડ ૮૦ લાખ જેટલો સ્ટાફ કામગીરીમાં જોડાય છે, જે ભારતીય ચૂંટણી પંચને વિશ્વની સૌથી મોટી સંસ્થા બનાવે છે.
ભારતીય ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર ભાર મૂકતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે દેશમાં મતદાર યાદી બનાવવાથી લઈને મતદાન અને મતગણતરી સુધીની તમામ પ્રક્રિયાઓ અત્યંત ખુલ્લી અને વિશ્વસનીય છે. ૧૧ લાખથી વધુ બૂથ લેવલ ઓફિસર્સ (BLO)ની કામગીરી અને વિવિધ રાજકીય પક્ષોના ઓડિટ હેઠળ મતદાર યાદી તૈયાર થાય છે. તે જ રીતે, મતદાન અને મતગણતરી સમયે પોલિંગ અને કાઉન્ટિંગ એજન્ટ્સની હાજરી તથા ફોર્મ ૧૭C દ્વારા થતું ચકાસણી કાર્ય પ્રક્રિયાની નિષ્પક્ષતાની ખાતરી આપે છે.
શ્રી જ્ઞાનેશ કુમારે ઉમેર્યું હતું કે વિશ્વના ૩૫ મોટા લોકશાહી દેશોના સંગઠન ‘ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ આસિસ્ટન્સ’ (International IDEA)ની અધ્યક્ષતા પણ હાલ ભારત પાસે છે, જે વૈશ્વિક સ્તરે ભારતની મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રણાલીની સ્વીકૃતિ દર્શાવે છે.
મતદાતાઓની ભાગીદારી વધારવા માટે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ૧૮ વર્ષ પૂરા કરનાર દરેક નાગરિકનું નામ મતદાર યાદીમાં ઉમેરાવું જોઈએ અને મતદાનના દિવસે પોતાની ફરજ અદા કરવી જોઈએ. આ સુવિધાને સરળ બનાવવા માટે ચૂંટણી પંચની વિવિધ સેવાઓને એક જ પ્લેટફોર્મ પર લાવી ‘ECINET’ એપ લોન્ચ કરવામાં આવી છે.
મુખ્ય ચૂંટણી કમિશનરશ્રીએ ઉપસ્થિત યુવાનો અને સભ્યોને ‘ECINET’ એપ ડાઉનલોડ કરવા તથા પોતાના પરિવાર અને આસપાસના લોકોના નવા નામ નોંધાવવામાં મદદરૂપ બનવા આહ્વાન કર્યું હતું. શાળાઓ અને કોલેજોમાં કાર્યરત ઈલેક્ટોરલ લિટરસી ક્લબ્સ (ELC)ના માધ્યમથી યુવા મનોમાં લોકશાહી મૂલ્યો વધુ મજબૂત બનશે એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વિવિધ વિધાનસભા ચૂંટણીઓમાં થયેલા ઉચ્ચ મતદાન ટકાવારીના ઉદાહરણો આપીને આગામી સમયમાં ગુજરાત પણ ઊંચા મતદાનનો લક્ષ્યાંક હાંસલ કરે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે કલમ ૩૨૬ હેઠળ બંધારણીય અધિકાર અને કર્તવ્ય સમજાવીને સૌને ‘રોલ થી પોલ સુધીની પારદર્શિતા’ની આ યાત્રામાં સક્રિય ભાગીદાર બનવા વિનંતી કરી હતી.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન આપતાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી સંદીપ સાગળેએ જણાવ્યું હતું કે, ભારતીય ચૂંટણી પંચ દ્વારા વર્ષ ૨૦૧૮માં સ્વીપ (SVEEP) કાર્યક્રમ હેઠળ શરૂ કરાયેલ ઇલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC) નો મુખ્ય ઉદ્દેશ્ય યુવા નાગરિકોને લોકશાહીના મૂલ્યો અને ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર કરવાનો છે. બદલાતા ડિજિટલ યુગમાં હવે ELC 2.0ના માધ્યમથી શાળાઓ અને કોલેજોમાં આ ક્લબ્સને વર્ષભર કાર્યરત, અનુભવજન્ય અને ડિજિટલ પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, પંચ દ્વારા મતદારો અને ચૂંટણી સંચાલનની ૪૦થી વધુ અલગ-અલગ એપ્લિકેશન્સને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવીને સુવિધાજનક ECINET સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારના દુરંદેશી નેતૃત્વની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું હતું કે, પંચના આ તકનીકી અને સાક્ષરતા અભિયાનો ‘જાગૃતિ અને વિશ્વાસ’ના બે મુખ્ય સ્તંભોને મજબૂત કરી રહ્યા છે, જેનાથી પ્રથમ વારના યુવા મતદારોની આકાંક્ષાઓ પૂર્ણ થશે અને ભારતીય લોકશાહી વધુ સક્ષમ, સર્વસમાવેશી અને પારદર્શી બનશે.
રિજનલ કોન્ફરન્સમાં ભારતના ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓએ ELC અને ECINET એપ વિષયક વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિવિધ પ્રેઝન્ટેશન દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલા ELC 2.0ના વિઝન, મિશન અને મુખ્ય વિશેષતાઓની જાણકારી આપવામાં આવી હતી, તેમજ ચૂંટણી માટેના ‘ઓલ સોલ્યુશન્સ પ્લેટફોર્મ’ તરીકે કાર્યરત ECINET વિષયક એક માહિતીસભર સત્ર પણ હાથ ધરવામાં આવ્યું હતું.
ભારતીય ચૂંટણી પંચના ડાયરેક્ટર જનરલ (મીડિયા) શ્રી આશિષ ગોયલ દ્વારા “ELC and Voter Education & Awareness”, ડાયરેક્ટર જનરલ (આઈટી) શ્રીમતી સીમા ખન્ના દ્વારા “ECI Net APP”, ડાયરેક્ટર શ્રીમતી શુભ્રા સક્સેના દ્વારા “Overview of Indian Elections: Trust & Transparency” અને ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી અપૂર્વ કુમાર સિંહ દ્વારા “ELC 2.0 – Functioning & Features” વિષયો પર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત મતદાર નોંધણી, મતદાન અને મતગણતરી પ્રક્રિયાનું જીવંત પ્રદર્શન પણ યોજાયું હતું.
અમદાવાદના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ભવ્ય વર્માએ વિધિવત આભાર દર્શન પ્રસ્તુત કર્યું હતું. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમાર અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી સંદીપ સાગળેના માર્ગદર્શન બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ECINET અને ELC 2.0 પરના પ્રેઝન્ટેશન તથા લાઈવ ડેમોથી મતદાતા જાગૃતિ પ્રવૃત્તિઓ વધુ અસરકારક બનશે. આ સાથે તેમણે નોડલ ઓફિસર્સ, BLOs, કેમ્પસ એમ્બેસેડર્સ અને આયોજક ટીમ સહિત તમામ સ્ટેકહોલ્ડર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્યના શિક્ષણ વિભાગના (ઉચ્ચ શિક્ષણ) અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ કુમાર, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરેન બારોટ, રાજ્યના સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી રિંકેશ પટેલ અને શ્રી દેવાયત ભમ્મર સહિતના પદાધિકારીઓ/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




