
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારને ખરેખર ધન્યવાદ આપવા પડે કે તેમણે આજે જે નોટિફિકેશન બહાર પાડ્યું છે, તે આખા ગુજરાતના સરકારી શાળાઓમાં ભણતા બાળકો અને તેમના વાલીઓના અપમાન સમાન છે. આ નોટિફિકેશન તમને હાસ્યાસ્પદ લાગશે. ભાજપે ૩૦ વર્ષમાં સરકારી શાળાઓ અને તેના બિલ્ડિંગોની ઘોર ખોદી નાખી છે, તેમજ બાજુમાં પોતાના નેતાઓને કરોડો રૂપિયા કમાવા માટે પ્રાઇવેટ સ્કૂલો શરૂ કરાવી દીધી છે. સરકારી સ્કૂલોમાં સીજેપી દ્વારા વિઝિટ કરવાનું શરૂ કરાયું ત્યારે ગુજરાતમાં એક શિક્ષકથી ચાલતી કેટલી શાળાઓ છે અને કેટલા બિલ્ડિંગો જર્જરિત છે, તેનો આંકડો વિધાનસભામાં જ આપવામાં આવ્યો હતો. એટલે કે ગુજરાતમાં સરકારી શાળાઓ જોવા લાયક પણ રહી નથી, ભણાવવાની તો અલગ વાત છે. હવે ગુજરાતમાં Gen-Z જાગી ગયું છે અને તે સ્કૂલોમાં વિઝિટ કરવાના છે. કઈ કઈ શાળાઓમાં પ્રોબ્લેમ છે આ ભાંડો ન ફૂટે અને ૨૦૨૭ સુધી આ મુદ્દો દબાયેલો રહે તે માટે ગુજરાત સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે કે કોઈપણ સરકારી શાળામાં બાળકોને ડિસ્ટર્બ થાય કે તેમની પ્રાઇવસીનો પ્રોબ્લેમ થાય તે માટે આચાર્યની પરવાનગી વગર કોઈ પત્રકારે, વિપક્ષના નેતાઓએ, સીજેપી વાળાએ કે Gen-Z એ જવું નહીં. ભલે નામ ન લખ્યું હોય, પણ તેનો અર્થ એ જ છે કે શાળાઓમાં ઘુસવા ન દેવા જેથી તૂટેલી અને એક શિક્ષકથી ચાલતી શાળાઓની પોલ ન ખુલે અને સરકાર બદનામ ન થાય.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજી બધાને કહેતા હતા કે તમે આવો, સ્કૂલો જુઓ અને આવી જ સ્કૂલો બીજા રાજ્યોમાં બનાવો. જ્યારે ટ્રમ્પ આવ્યા અને તેમના પત્નીએ સ્કૂલ જોવાની ઈચ્છા દર્શાવી, ત્યારે નરેન્દ્ર મોદીજીએ અરવિંદ કેજરીવાલજી દ્વારા બનાવેલી દિલ્હીની સરકારી સ્કૂલ બતાવી હતી. જ્યારે અહીં આ લોકો ઢાંકે છે; પણ ઢાંકવું ક્યારે પડે ? જ્યારે આપણે પાપી હોઈએ ત્યારે. આ ગુજરાતના તમામ વાલીઓ અને તેમના ભણતા બાળકોનું અપમાન છે. તમારા માટે કોઈ અવાજ ન ઉઠાવી શકે એટલા માટે પોક્સો (POCSO) જેવા કાયદાની ધમકીઓ અપાય છે. નોટિફિકેશન ત્યારે બહાર પાડે જ્યારે ખૂબ જ અગત્યની ઇમર્જન્સી હોય. પણ તમે તો પોતાની લૂંટ ચલાવવા અને પોલ ન ખુલી જાય તે માટે કાનૂન બનાવો છો અને નોટિફિકેશન બહાર પાડો છો. જો તમારામાં તાકાત હોય તો કાનૂન બનાવીને રાષ્ટ્રપતિને આપો અને તે મંજૂર કરે તો દેશભરમાં લાગુ કરો કે સરકારી સ્કૂલમાં કોઈએ નહીં જવાનું. મારી ગુજરાતની જનતાને, Gen-Z ને, તમામ યુવાનોને, સરકારી સ્કૂલમાં ભણતા બાળકોને અને તેમના વાલીઓને વિનંતી છે કે આપણે સૌએ આ મામલામાં બહાર આવવું પડશે. સોશિયલ મીડિયા પર પણ અવાજ ઉઠાવો. હું પણ લીગલ પોઇન્ટ ઓફ વ્યુથી શું થઈ શકે તેની ચર્ચા કરીશ અને ભાજપની પોલ ખોલીને જ રહીશ.




