
ઇન્વેસ્ટમેન્ટ લેટર હેન્ડ ઓવર સેરીમની ગાંધીનગરમાં યોજાઈ.મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ખોરજમાં નવા પ્લાન્ટની સ્થાપના કરશે.ખોરજમાં જી.આઇ.ડી.સી. દ્વારા ઉપલબ્ધ કરાયેલી ૧૭૫૦ એકર જમીન પર વ્હીકલ મેન્યુફેક્ચરિંગના નવા પ્લાન્ટની સ્થાપના કરશે.મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ખોરજમાં જી.આઇ.ડી.સી. દ્વારા ઉપલબ્ધ કરાયેલી ૧૭૫૦ એકર જમીન પર ૩૫ હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે વ્હીકલ મેન્યુફેક્ચરિંગના નવા પ્લાન્ટની સ્થાપના કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર હિતાશી તાકેઉચીની ઉપસ્થિતિમાં આ પ્લાન્ટના રોકાણ માટેના ઇન્વેસ્ટમેન્ટ લેટર હેન્ડ ઓવર સેરીમની ગાંધીનગરમાં યોજાઈ હતી. મારુતિના આ નવા પ્લાન્ટથી સંભવિત ૧૨ હજારથી વધુ લોકોને રોજગાર અવસર મળશે. એટલું જ નહીં, આ પ્લાન્ટના પરિણામે આસપાસના વિસ્તારોમાં એન્સીલીયરી યુનિટ્સ અને એમ.એસ.એમ.ઈ એકમો પણ સ્થપાશે એનાથી અંદાજે ૭.૫૦ લાખથી વધુ પરોક્ષ રોજગારી મળતી થશે અને એક સમગ્ર ક્લસ્ટરનું નિર્માણ થવાથી ઓટો હબ તરીકેની ગુજરાતની ઓળખને વધુ બળ મળશે.
આ પ્રોજેક્ટ અન્વયે દર વર્ષે ૨.૫ લાખ કારની ઉત્પાદન ક્ષમતા ધરાવતા ૪ પ્લાન્ટ મળીને કુલ ૧૦ લાખ કાર પ્રતિ વર્ષની ઉત્પાદન ક્ષમતાનો પ્લાન્ટ વિકસાવવામાં આવશે. પહેલા પ્લાન્ટનું ઉત્પાદન ૨૦૨૯ના ફાઇનાન્સિયલ ઈયરથી શરૂ કરવાનું મારુતિ સુઝુકી ઈન્ડીયા લિમિટેડનું આયોજન છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મારુતિ સુઝુકી ઈન્ડીયા લિમિટેડના પ્રોજેક્ટ રોકાણને આવકારતા કહ્યું કે, આ માત્ર એક નવી ઓટોમોબાઇલ ઉત્પાદન સુવિધા જ નથી પરંતુ દેશના સૌથી મોટા અને સૌથી સ્પર્ધાત્મક ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ કોરિડોરને વધુ સુદ્રઢ કરવાનું મહત્વનું પગલું પણ છે.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત-ગુજરાત-જાપાન સંબંધો હંમેશા ઉત્સાહપૂર્ણ રહ્યા છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે પોતાની જાપાન મુલાકાત દરમિયાન સુઝુકીના CEO એ ગુજરાતને સેકન્ડ હોમ તરીકે ઓળખાવ્યું તે ભરોસો જાળવી રાખવા સરકાર સતત પ્રયત્નશીલ રહેશે તેવો વિશ્વાસ આપ્યો હતો. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લીડરશીપમાં સસ્ટેનેબલ પોલીસીઝ મેકિંગથી ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ બન્યું છે. આ ઉપરાંત રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગોની જરૂરિયાત મુજબના વિકાસ અભિગમની પ્રતિષ્ઠા પણ ગુજરાતે મેળવેલી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટમાં શરૂઆતથી જાપાન પાર્ટનર કન્ટ્રી અને વિકાસનું ભાગીદાર રહ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, મારુતિ સુઝુકી મોટર્સ જ્યારે પ્રથમવાર ગુજરાતમાં રોકાણ માટે આવ્યું, ત્યારે મદદ માટેની જે તત્પરતા અને સહયોગ રાજ્ય સરકારે દાખવ્યો હતો તેવો જ સહયોગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સતત મળતો રહેશે.મારુતિ સુઝુકી મોટર્સના એમડી યુત હિતાશી તાકેઊચીએ ગુજરાત સરકાર દ્વારા મારુતિ સુઝુકીને મળી રહેલા સહયોગની પ્રશંસા કરતા જણાવ્યું કે, ગુજરાત મોબિલીટી ટ્રાન્સફોર્મેશનમાં લીડર બની રહ્યું છે તેનો લાભ પણ મારુતિ સુઝુકીને મળ્યો છે. ગુજરાત સરકાર સાથેની મજબૂત સહભાગીતાથી ગુજરાતમાં મારુતિના ઉત્પાદન એકમો દ્વારા મેઈક ઈન ઈન્ડીયા ઈનિસ્યેટીવમાં પણ મારુતિ સુઝુકી સક્રિય યોગદાન આપવા તત્પર છે તેમ તેમણે જણાવ્યુ હતું.




