
તંત્ર અને મંત્રી સમક્ષ અનેક વખત કરાઇ રજૂઆત.વિન્ડફાર્મ કંપનીઓની દાદાગીરી સામે આવી.પવનચક્કીના ભારે સાધનો લઈ જવા માટે જૂનીપર કંપની અને કૈલાશનાથ એજન્સી દ્વારા તેમના ખેતરમાંથી મંજૂરી વગર રસ્તો કાઢવામાં આવ્યોરાજકોટમાં વિન્ડફાર્મ કંપનીઓની દાદાગીરી સામે આવી છે. પવનચક્કીના સાધનો લઇ જવા ખેતરમાંથી રસ્તો કાઢ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.
એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, તો બીજી તરફ મોટી કંપનીઓ પોતાના આર્થિક ફાયદા માટે જગતના તાતના પરસેવાની કમાણી પર બુલડોઝર ફેરવી રહી છે.
રાજકોટના ગુંદાળા ગામની એક ઘટના સામે આવી છે. જેમાં વિન્ડફાર્મ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી કંપનીઓની શરમજનક દાદાગીરી સામે આવી છે.
ગુંદાળા ગામના એક પીડિત ખેડૂતે ગંભીર આક્ષેપ કર્યો છે કે,પવનચક્કીના ભારે સાધનો લઈ જવા માટે જૂનીપર કંપની અને કૈલાશનાથ એજન્સી દ્વારા તેમના ખેતરમાંથી મંજૂરી વગર રસ્તો કાઢવામાં આવ્યો છે. ખેડૂતે વર્ષભરની મહેનત બાદ વાવેલા તુવેર અને જીરુંના ઉભા પાક પર ભારે મશીનરી ફેરવી દેતા ખેતીને ભારે નુકસાન થવા પામ્યુ છે. આટલું જ નહીં ખેતરમાં સિંચાઈ માટે નાખેલી પાણીની પાઇપલાઇન પણ કંપનીના વાહનો નીચે કચડાઈને તૂટી ગઈ છે.
પોતાની આજીવિકા છીનવાઈ જતા ખેડૂતો હવે ન્યાય માટે રજૂઆત કરવા પહોંચ્યા છે. પીડિત ખેડૂતે રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર આપી નુકસાનીનું વળતર અપાવવા અને દાદાગીરી કરનાર કંપનીઓ સામે કડક પગલાં લેવા માગ કરી છે. આ ઉપરાંત, આ મામલો રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સુધી પણ પહોંચાડવામાં આવ્યો છે.




