શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. નવ દિવસ ચાલનારા આ ઉત્સવમાં ભક્તો દેવી ભગવતીના નવ સ્વરૂપોની પૂજા કરે છે. આ સાથે ઘણા ભક્તો નવ દિવસ ઉપવાસ પણ કરે છે. આ સમયગાળા દરમિયાન, ડુંગળી અને લસણ યુક્ત ખોરાક ખાવાની મનાઈ છે. આવી સ્થિતિમાં વ્રત રાખનારા ભક્તો ફળ ખાય છે. જો તમે પણ ઉપવાસ કરતા હોવ અને કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ તો અમે તમારા માટે ‘નારિયેળના લાડુ’ની રેસિપી લઈને આવ્યા છીએ. આ ઉપવાસ દરમિયાન તમને પુષ્કળ ઊર્જા આપવાનું કામ કરશે.
સામગ્રી:
- છીણેલું તાજુ નારિયેળ – 7 થી 8 કપ
- ગોળ – લગભગ 4 કપ
- ઘી- 8 થી 10 ચમચી ઘી
- 1 કપ સમારેલી બદામ
- 1 કપ સમારેલા કાજુ
- ½ કપ સમારેલા અખરોટ
- 3-4 ચમચી કિસમિસ
- એલચી પાવડર – 1 ચમચી
1. નારિયેળના લાડુ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં 2 ચમચી ઘી નાખીને ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં ઝીણી સમારેલી બદામ, કાજુ, અખરોટ અને કિસમિસ ઉમેરીને ધીમી આંચ પર તળી લો.
2. બધા ડ્રાય ફ્રૂટ્સ શેક્યા પછી તેને તવામાંથી કાઢીને બાજુ પર રાખો. હવે ફરી એકવાર પેનમાં 2 ચમચી ઘી ઉમેરો અને તેમાં 4 કપ છીણેલું નારિયેળ ઉમેરો અને તેને ફ્રાય કરો. નારિયેળને ધીમી આંચ પર જ્યાં સુધી સુગંધ ન આવે ત્યાં સુધી શેકવાનું યાદ રાખો.
3. નારિયેળને શેક્યા પછી, તેમાં 2 કપ ગોળ ઉમેરો અને તે બરાબર ઓગળે ત્યાં સુધી તેને મિક્સ કરો. હવે નારિયેળ અને ગોળના આ મિશ્રણમાં બધા ડ્રાયફ્રૂટ્સ અને એલચી પાવડર ઉમેરો. બધું બરાબર મિક્સ કરો.
4. બરાબર મિક્ષ થયા બાદ ગેસ બંધ કરો અને તેને ઠંડુ થવા દો. તે ઠંડું થઈ જાય પછી, તમારા હાથ પર થોડું ઘી લગાવો, લાડુ બાંધો અને તેને છીણેલા તાજા નારિયેળમાં લપેટી લો.