
બિહારમાં ટ્રેન દુર્ઘટના.જમુઈમાં માલગાડીના ૩ ડબ્બા નદીમાં ખાબક્યાં.બે ડબ્બા પુલ પર જ લટકતા રહી ગયા : આ દુર્ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.પૂર્વ રેલવેના આસનસોલ રેલ મંડળ હેઠળ આવેલા જસીડીહ–ઝાઝા રેલખંડ પર શનિવારે (૨૭ ડિસેમ્બર) મોડી રાત્રે એક ભયાનક ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટના જમુઈ જિલ્લામાં સ્થિત સિમુલતલા વિસ્તારમાં ટેલવા બજાર હોલ્ટ નજીક બડુઆ નદીના પુલ નંબર ૬૭૬ પાસે સર્જાઈ હતી. જેમાં સિમેન્ટથી ભરેલી એક માલગાડીના અનેક ડબ્બા પાટા પરથી ઉતરીને સીધા નદીમાં પડી ગયા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના રાત્રે અંદાજે ૧૧:૩૦ વાગ્યે બની હતી. અપ લાઇન પરથી પસાર થઈ રહેલી માલગાડી જ્યારે પુલ પાસે પહોંચી, ત્યારે અચાનક પાટા ઉખડી ગયા. પરિણામે માલગાડીના ત્રણ ડબ્બા સીધા બડુઆ નદીમાં ખાબકી ગયા, જ્યારે બે ડબ્બા પુલ પર જ લટકતા રહી ગયા. આ ઉપરાંત, છથી વધુ ડબ્બા પાટા પરથી ઉતરીને એકબીજા પર ચઢી ગયા.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઓફ લાઇનનો પાટો પણ ઉખડીને ડાઉન લાઇન તરફ વળી ગયો. જેના કારણે જસીડીહ–ઝાઝા રેલખંડ પર અપ અને ડાઉન બંને લાઇન પર ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો. અનેક પેસેન્જર અને માલગાડીઓને રસ્તામાં જ અટકાવી દેવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.
દુર્ઘટનાના કારણે આ મહત્વપૂર્ણ રેલ માર્ગ પર ટ્રેન વ્યવહાર ભારે રીતે અસરગ્રસ્ત થયો છે. મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હાલ પરિસ્થિતિ ગંભીર બની છે.
અકસ્માતની જાણ થતા જ આરપીએફ, રેલવે પોલીસ અને ટેક્નિકલ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે ક્રેન અને મશીનરીની મદદથી ડબ્બાને હટાવવાની કામગીરી ચાલી રહી છે. રેલ અધિકારીઓનું કહેવું છે કે, શક્ય તેટલી વહેલી તકે પાટા ક્લિયર કરીને ટ્રેન વ્યવહાર ફરી શરૂ કરવો તેમની પ્રથમ પ્રાથમિકતા છે. આ ભીષણ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જે એક મોટી રાહતની વાત છે. રેલવે પ્રશાસન દ્વારા અકસ્માતના કારણોની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રાથમિક રીતે પાટાની ટેક્નિકલ ખામી અથવા માલગાડી પર વધુ ભાર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ દુર્ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થશે.




