
ધર્મશાળાની કોલેજમાં રેગિંગ કાંડ.વિદ્યાર્થિનીના મોત બાદ વધ્યો વિવાદ; પ્રોફિસર સહિત ત્રણની સામે કેસ.અભ્યાસ કરતી ૧૯ વર્ષીય વિદ્યાર્થિનીના સારવાર દરમિયાન મોતના મામલે ભારે વિવાદ ઉભો થયો છે.હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાળા ડિગ્રી કોલેજમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષીય વિદ્યાર્થિનીના સારવાર દરમિયાન મોતના મામલે ભારે વિવાદ ઉભો થયો છે. વિદ્યાર્થિનીના પરિજનોની ફરિયાદના આધારે પોલીસે એક પ્રોફેસર સહિત ત્રણ વ્યક્તિઓ સામે રેગિંગ અને યૌન ઉત્પીડનના આરોપો હેઠળ FIR નોંધી છે. આ કેસે રાજ્યભરમાં શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મૃતક વિદ્યાર્થિની કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. પરિવારજનોનો આરોપ છે કે ૧૮ સપ્ટેમ્બરના રોજ કોલેજની કેટલીક વિદ્યાર્થિનીઓએ તેના સાથે મારામારી કરી હતી અને ધમકીઓ આપી હતી. એટલું જ નહીં, ફરિયાદમાં કોલેજના પ્રોફેસર અશોક કુમાર પર વિદ્યાર્થિની સાથે યૌન ઉત્પીડનનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
પરિજનોનું કહેવું છે કે, આ ઘટનાઓ બાદ વિદ્યાર્થિનીને ભારે આઘાત લાગ્યો હતો. ધીમે-ધીમે તેની તબિયત બગડતી ગઈ અને વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી. અંતે ૨૬ ડિસેમ્બરે લુધિયાણાના ડીએમસી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું. પરિજનોનો દાવો છે કે કોલેજની કેટલીક યુવતીઓ દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે તે ડિપ્રેશનમાં જતી રહી હતી. વિદ્યાર્થિનીએ પોતાના મૃત્યુ પહેલા આ સમગ્ર ઘટનાક્રમ અંગે એક વીડિયો પણ જાહેર કર્યો હતો. પોલીસ મુજબ, ૧૮ સપ્ટેમ્બરે શરૂ થયેલી ઘટનાઓ બાદ તેની માનસિક સ્થિતિ ખરાબ થતી ગઈ અને સાત મોટા હોસ્પિટલોમાં સારવાર છતાં પણ તેની હાલતમાં કોઈ સુધારો થયો નહીં. અંતે ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સવારે લગભગ ૬ વાગ્યે તેનું અવસાન થયું.
આ મામલે એક મહત્વપૂર્ણ વળાંક એ છે કે પરિજનો દ્વારા ૨૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સીએમ હેલ્પલાઈન નંબર ૧૧૦૦ પર કરાયેલી ફરિયાદમાં ન તો મારપીટનો ઉલ્લેખ હતો અને ન તો પ્રોફેસર અશોક કુમારનું નામ લેવામાં આવ્યું હતું. જાેકે, વિદ્યાર્થિનીના અવસાન બાદ પરિજનો દ્વારા વિસ્તૃત ફરિયાદ નોંધાવવામાં આવી, જેના આધારે હવે FIR દાખલ કરવામાં આવી છે. કાંગડા જિલ્લાના એસપી અશોક રતનએ જણાવ્યું કે ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૭૫, ૧૧૫(૨), ૩(૫) તેમજ હિમાચલ પ્રદેશ શૈક્ષણિક સંસ્થાઓ (રેગિંગ પ્રતિબંધ) અધિનિયમ, ૨૦૦૯ની કલમ ૩ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે વિદ્યાર્થિનીની સારવાર સાત મોટા હોસ્પિટલોમાં થઈ હતી અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.




