
દ્ગઝ્રના ૨૫ ધારાસભ્યોનું ૧૫ દિવસનું અલ્ટીમેટમ જમ્મુ-કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા સરકાર સામે બળવો ઉપમુખ્યમંત્રી સહિત તમામ ૮ કેબિનેટ મંત્રીઓ અને CM ના સલાહકારને પદ પરથી હટાવી મંત્રીમંડળનું પુનર્ગઠન કરવા માંગ
જમ્મુ-કાશ્મીરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ (NC) સરકાર સામે પાર્ટીની અંદર જ મોટો ખુલ્લો બળવો સામે આવ્યો છે. પાર્ટીના આશરે ૨૫ ધારાસભ્યોએ સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલીને ઉપમુખ્યમંત્રી સહિત તમામ ૮ કેબિનેટ મંત્રીઓને ૧૫ દિવસની અંદર હટાવી મંત્રીમંડળનું સંપૂર્ણ પુનર્ગઠન કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, ધારાસભ્યોએ મુખ્યમંત્રીના રાજકીય સલાહકાર નાસિર અસલમ વાનીને પણ પદ પરથી દૂર કરવા ભારે દબાણ બનાવ્યું છે.
આ બળવાખોર તેવર શુક્રવારે સાંજે પાર્ટીના ધારાસભ્ય કૈસર જમશેદ લોનના નિવાસસ્થાને મળેલી એક ગુપ્ત બેઠક દરમિયાન સામે આવ્યા હતા. આ બેઠકમાં ૧૮ ધારાસભ્યો પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ૭ ધારાસભ્યો ઓનલાઈન માધ્યમથી જાેડાયા હતા. આમ, બળવાખોર નેતાઓનો કુલ આંકડો ૨૫ પર પહોંચ્યો છે.
બેઠક દરમિયાન ધારાસભ્યોએ સર્વાનુમતે એક પ્રસ્તાવ પસાર કરીને માંગ કરી હતી કે પક્ષના વ્યાપક હિત માટે આખું મંત્રીમંડળ બદલવું જરૂરી છે. આ સાથે ખાતાઓ અને વિભાગોની ફાળવણી કરતાં પહેલાં પક્ષમાં લોકશાહી ધોરણે વિચાર-વિમર્શ કરવાની બાબત પર ભાર મુકાયો હતો.
૯૦ સભ્યો ધરાવતી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં નેશનલ કોન્ફરન્સ પાસે ૪૧ ધારાસભ્યો છે. હાલ આ સરકાર કોંગ્રેસના ૬, અપક્ષના ૬ અને માકપાના ૧ ધારાસભ્યના સમર્થનથી ચાલી રહી છે. આવી સ્થિતિમાં પોતાની જ પાર્ટીના ૨૫ ધારાસભ્યોની નારાજગી અને અલ્ટીમેટમને પગલે ઓમર અબ્દુલ્લા સરકાર સામે ગંભીર રાજકીય સંકટ ઊભું થયું છે.




