
વડાપ્રધાને વર્લ્ડ બેંકના અહેવાલને ટાંકીને જણાવ્યું ભારતમાં ગરીબી ઘટાડવાની દિશામાં અભૂતપૂર્વ કાર્ય થયું અત્યંત ગરીબીનો દર ૨૭.૧% થી ઘટીને ૨.૬% થયો, મફત અનાજ વિતરણ અને રોજગારી વૃદ્ધિને મળ્યું શ્રેય ભારતમાં ગરીબી નિર્મૂલન અંગે વર્લ્ડ બેંકના નવા અહેવાલમાં અત્યંત પ્રોત્સાહક આંકડા સામે આવ્યા છે. અહેવાલ અનુસાર, વર્ષ ૨૦૧૧થી ૨૦૨૩ દરમિયાન ભારતના અંદાજે ૪૯.૬ કરોડ લોકો નીચલા મધ્યમ આવક ધરાવતા દેશો માટેની આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાથી ઉપર આવ્યા છે.
આ સમયગાળામાં દેશમાં અત્યંત ગરીબીનો દર ૨૭.૧ ટકાથી ઘટીને ૨.૬ ટકા થયો છે, જે આશરે ૯૦ ટકાનો ઘટાડો દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વર્લ્ડ બેંકના આ અહેવાલનો ઉલ્લેખ કરીને દેશની આર્થિક પ્રગતિ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો.
વર્લ્ડ બેંકના તાજેતરના ‘પોવર્ટી એન્ડ ઇક્વિટી બ્રીફ‘ અનુસાર, ભારતમાં ૨૦૧૧થી ૨૦૨૩ દરમિયાન ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નીચલા મધ્યમ આવક ધરાવતા દેશો માટે નિર્ધારિત ૪.૨૦ ડોલર પ્રતિદિનની આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનું પ્રમાણ ૨૦૧૧માં ૫૭.૭ ટકા હતું, જે ૨૦૨૩માં ઘટીને ૧૬.૧ ટકા થઈ ગયું છે. આ ઘટાડાના પરિણામે અંદાજે ૪૯.૬ કરોડ લોકો આ ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. વર્લ્ડ બેંકે ભારતની આ ઝડપી પ્રગતિની વૈશ્વિક સ્તરે સરાહના કરી છે.
અહેવાલમાં અત્યંત ગરીબીના આંકડાઓ અંગે જણાવાયું છે કે, વર્ષ ૨૦૧૧માં ભારતમાં અત્યંત ગરીબીનો દર ૨૭.૧ ટકા હતો, જે ૨૦૨૩માં ઘટીને માત્ર ૨.૬ ટકા રહ્યો છે. આ ગણતરી માટે વ્યક્તિદીઠ પ્રતિદિન ૩ ડોલરની આંતરરાષ્ટ્રીય અત્યંત ગરીબી રેખાનો આધાર લેવામાં આવ્યો છે.
આ સમયગાળા દરમિયાન અત્યંત ગરીબીના દરમાં ૯૦ ટકાનો ઘટાડો નોંધાયો હોવા છતાં, ૨૦૨૩ સુધીમાં પણ દેશમાં અંદાજે ૩.૫ કરોડ લોકો અત્યંત ગરીબીની સ્થિતિમાં જીવતા હોવાનું સામે આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ બેંકના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે ભારતમાં ગરીબી ઘટાડવાની દિશામાં અભૂતપૂર્વ કાર્ય થયું છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા છ વર્ષમાં દેશમાં ૧૩.૪ કરોડ નવી રોજગારીની તકો ઉભી થઈ છે. આ ઉપરાંત, આવકની અસમાનતા માપતા ગિની ઇન્ડેક્સમાં પણ ઘટાડો નોંધાયો છે, જે દર્શાવે છે કે આર્થિક વિકાસનો લાભ નીચલા તબક્કા સુધી પહોંચી રહ્યો છે.
વર્લ્ડ બેંકના અહેવાલ મુજબ, ગરીબી ઘટાડવામાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત અને સબસિડીયુક્ત અનાજ વિતરણ યોજનાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કલ્યાણકારી યોજનાઓ, મહિલાઓ માટે રોજગારીની વધેલી તકો અને પરિવારોની વપરાશ ક્ષમતામાં થયેલા વધારાને કારણે ગરીબી ઝડપથી ઘટી છે.
વર્લ્ડ બેંકના અનુમાન મુજબ, ૪.૨૦ ડોલરની દૈનિક ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનું પ્રમાણ વરષ ૨૦૨૬માં અંદાજે ૧૪.૨ ટકા અને ૨૦૨૮ સુધીમાં વધુ ઘટીને ૧૨.૧ ટકા થવાની શક્યતા છે. જાેકે, ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચેનો તફાવત, રોજગારીની સ્થિરતા અને આરોગ્ય-શિક્ષણની સુવિધાઓ પહોંચાડવા જેવા પડકારો પર હજુ વધુ ધ્યાન આપવું જરૂરી ગણાવાયું છે.




