
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદીઓની ઘૂસણખોરીની ઘટનાઓની નોંધ લઈને મોટી કાર્યવાહી કરી છે. તાજેતરના ભૂતકાળમાં સરહદ પારથી ઘૂસણખોરીની ઘટનાઓમાં વધારો થયા બાદ, NIA એ જમ્મુમાં 12 સ્થળોએ દરોડા પાડ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે જેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGW)નો સમાવેશ થાય છે જેઓ આતંકવાદી જૂથોને ભારતમાં આવતા આતંકવાદીઓને લોજિસ્ટિક્સ, સલામત ઠેકાણા અને માર્ગો પૂરા પાડવામાં મદદ કરે છે.
અગાઉ, NIA એ ગયા વર્ષે 24 ઓક્ટોબરના રોજ ઘૂસણખોરી સંબંધિત ઘટનાઓમાં આ લોકો સામે કેસ નોંધ્યા હતા, જેમણે આંતરરાષ્ટ્રીય સરહદ અને LoC દ્વારા ભારતમાં સક્રિય લશ્કર અને જૈશના આતંકવાદીઓને મદદ કરી હતી. NIAના એક અધિકારીના જણાવ્યા અનુસાર, “જમ્મુ ક્ષેત્રના ગામડાઓમાં રહેતા OGW અને અન્ય આતંકવાદી જૂથોએ આ ઘુસણખોરોને મદદ કરી હતી. તેઓએ આતંકવાદીઓને ખોરાક, આશ્રય અને પૈસા પણ પૂરા પાડ્યા હતા.”
અધિકારીએ જણાવ્યું હતું કે શંકાસ્પદ હાઇબ્રિડ આતંકવાદીઓ અને OGW પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની શાખાઓ સાથે જોડાયેલા છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વર્ષે અત્યાર સુધીમાં જમ્મુ અને કાશ્મીર પર ધ્યાન કેન્દ્રિત કરીને ત્રણ સુરક્ષા સમીક્ષા બેઠકો યોજી છે. આ દરમિયાન તેમણે સુરક્ષા દળોને આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવાનો નિર્દેશ આપ્યો છે.
